પતિના વ્યસનથી કંટાળેલી મહિલાએ લગ્નજીવન બચાવવા 181 અભયમની મદદ લીધી, અસરકારક કાઉન્સેલિંગથી પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવાયું
181

અભયમ ટીમની સમજાવટ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી વ્યસન છોડવા, અપશબ્દો ન બોલવા અને પરિવારની જવાબદારી નિભાવવાની ખાતરી આપી
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૯. સુરત શહેરના પાલનપુર વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ પતિના વ્યસન અને અવારનવારના ઝઘડાથી કંટાળી પોતાનું લગ્નજીવન બચાવવા માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. ફરિયાદ મળતા ઉમરા-સુરત અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અસરકારક કાઉન્સેલિંગ દ્વારા પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, પીડિત મહિલાના લગ્નજીવનને આશરે 12 વર્ષ થયા છે અને તેમને એક બાળક છે. મહિલાએ જણાવ્યું હતું કે તેમના પતિ વ્યસન કરવાની લત ધરાવે છે અને નશાની હાલતમાં ઘરે આવી પત્ની સાથે અવારનવાર ઝઘડો કરી અપશબ્દો બોલતા હતા. પતિ એક કંપનીમાં નોકરી કરતા હોવા છતાં વ્યસનની લતને કારણે મહિનાના ઘણા દિવસો નોકરી પર જતા ન હતા અને પરિવારની જવાબદારી પ્રત્યે બેદરકારી દાખવતા હતા.
પતિના આવા વર્તનથી કંટાળેલી મહિલાએ પતિને સમજાવવા તેમજ પોતાનું લગ્નજીવન અને પરિવાર બચાવવા માટે અભયમની મદદ માંગી હતી.
ફરિયાદના પગલે અભયમ કાઉન્સેલર દ્વારા પતિનું અસરકારક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પતિને લગ્નજીવનની ગંભીરતા, પરિવાર પ્રત્યેની જવાબદારી તથા પત્ની અને બાળક પ્રત્યેની સામાજિક અને કાયદાકીય જવાબદારીઓ અંગે સમજ આપવામાં આવી હતી. સાથે જ વ્યસનના કારણે પરિવાર અને બાળકના જીવન પર થતી નકારાત્મક અસરો અંગે પણ સમજાવવામાં આવ્યું હતું.
અભયમ ટીમ દ્વારા પતિને પત્ની સાથે માનસિક કે શારીરિક ત્રાસ, અપમાનજનક વર્તન અને ઝઘડાથી દૂર રહેવા તેમજ પત્ની અને બાળક સાથે સન્માનપૂર્વક વર્તન કરવા અંગે જરૂરી કાયદાકીય માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અભયમ ટીમની સમજાવટ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને હવે પછી વ્યસન નહીં કરે, પત્નીને અપશબ્દો નહીં બોલે, ઝઘડો નહીં કરે તથા નિયમિત રીતે નોકરી પર જઈ પરિવારની જવાબદારી યોગ્ય રીતે નિભાવશે તેવી ખાતરી આપી હતી.
પતિ દ્વારા પોતાની ભૂલ સ્વીકારી સુધરી જવાની ખાતરી આપવામાં આવતા અને પીડિત મહિલાએ હાલ કોઈ આગળની કાર્યવાહી કરવાની ઇચ્છા ન દર્શાવતા, અભયમ ટીમે બંને વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું.
અંતે પીડિત મહિલાએ સમયસર મદદ કરી પતિનું કાઉન્સેલિંગ કરવા, જરૂરી માર્ગદર્શન આપવા તથા પરિવારનું લગ્નજીવન જાળવવામાં સહાયરૂપ થવા બદલ 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
