તાપી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ૨૪૩ વિદ્યાર્થીઓને હેલ્મેટનું વિતરણ

0
તાપી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ૨૪૩ વિદ્યાર્થીઓને હેલ્મેટનું વિતરણ
Contact News Publisher

ર.ફ.દાબુ કેળવણી મંડળના સહયોગથી ટ્રાફિક જાગૃતિ અભિયાન યોજાયું; ૧૬થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓનાં લાઇસન્સ કઢાવી માર્ગ સલામતી અંગે અપાયું માર્ગદર્શન

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૭. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવીરસિંહ તથા પોલીસ અધિક્ષકશ્રી તાપી જે.એન. દેસાઈની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા, તાપી-વ્યારા દ્વારા ર.ફ.દાબુ કેળવણી મંડળ, વ્યારાના સહયોગથી “લાઇસન્સ આપી તેમજ હેલ્મેટ વિતરણ તથા ટ્રાફિક અવેરનેસ જાગૃતિ અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે ઉપસ્થિત પોલીસ અધિક્ષકશ્રી જે. એન. દેસાઈએ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને વાહન ચલાવતી વખતે હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવી જવાબદાર નાગરિક બનવા પણ અપીલ કરી હતી.

 

આ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં ર.ફ.દાબુ કેળવણી મંડળ દ્વારા સંચાલિત તમામ શાળાઓના ૧૬થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓનાં લાઇસન્સ કઢાવી કુલ ૨૪૩ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

 

વધુમાં, વિદ્યાર્થીઓને સરકારશ્રીની ‘રાહ-વીર’ યોજના તથા ‘હિટ એન્ડ રન’ના કિસ્સાઓમાં આપવામાં આવતી સહાય અંગેની વિસ્તૃત માહિતી આપી માર્ગ સલામતી અને નાગરિક જાગૃતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

 

આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષકશ્રી જે.એન. દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.બી. શેખ, જિલ્લા ટ્રાફિક શાખાના અધિકારીઓ, આર.ટી.ઓ. વ્યારા, તાપીના ઇન્સ્પેક્ટરશ્રી એમ.એસ. વસાવા, એન.બી. ભોજાણી તેમજ ર.ફ.દાબુ કેળવણી મંડળ, વ્યારાના પ્રમુખશ્રી હસમુખભાઈ ભક્ત, ચેરમેનશ્રી નેવીલભાઈ જોખી, ટ્રસ્ટીશ્રીઓ સુભાષભાઈ શાહ, દિલીપભાઈ શાહ, દાતાશ્રી વિજયભાઈ ભાવસાર, વ્યારા, સનતભાઈ સંકલ્પ પેપરમિલ, બુહારી સહિત અન્ય દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *