વ્યારા ખાતે ૧૮ ઑક્ટોબરે તાપી જિલ્લા એથ્લેટીક્સ મીટ યોજાશે

અંડર-૧૪ અને અંડર-૧૬ વયજૂથના ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે; સ્પર્ધામાં ભાગ લેવા AFI ID ફરજિયાત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 14 એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા આગામી તા. ૧૪થી ૧૬ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન હૈદરાબાદ ખાતે ૨૦મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ–૨૦૨૬નું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધા માટે તાપી જિલ્લાના ખેલાડીઓની પસંદગી અને ટીમની રચનાના હેતુથી તાપી જિલ્લા એથ્લેટીક્સ એસોસિએશન દ્વારા તા. ૧૮ ઑક્ટોબર, રવિવારના રોજ સવારે ૮:૦૦ કલાકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે તાપી જિલ્લા એથ્લેટીક્સ મીટ યોજાશે.
આ સ્પર્ધામાં અંડર-૧૪ અને અંડર-૧૬ વયજૂથના ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકશે. અંડર-૧૪ વયજૂથમાં તા. ૧૭/૧૧/૨૦૧૨થી તા. ૧૬/૧૧/૨૦૧૪ દરમિયાન જન્મેલા તથા અંડર-૧૬ વયજૂથમાં તા. ૧૭/૧૧/૨૦૧૦થી તા. ૧૬/૧૧/૨૦૧૨ દરમિયાન જન્મેલા ખેલાડીઓ ભાગ લેવા પાત્ર રહેશે.
અંડર-૧૪ વયજૂથમાં ટ્રાયથલોન ગ્રુપ-Aમાં ૬૦ મીટર દોડ, લાંબી કૂદ અને ઊંચી કૂદ; ગ્રુપ-Bમાં ૬૦ મીટર દોડ, લાંબી કૂદ અને બેક થ્રો તથા ગ્રુપ-Cમાં ૬૦ મીટર દોડ, લાંબી કૂદ અને ૬૦૦ મીટર દોડની સ્પર્ધાઓ યોજાશે. જ્યારે અંડર-૧૬ વયજૂથમાં ૬૦ મીટર દોડ, ૮૦ મીટર હર્ડલ્સ, ૬૦૦ મીટર દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ, ગોળાફેંક, બરછી ફેંક તથા પેન્ટાથલોનની સ્પર્ધાઓ યોજાશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ આધારકાર્ડ અને જન્મના દાખલાની ઝેરોક્સ નકલ સાથે લાવવાની રહેશે. ઉપરાંત, દરેક ખેલાડી માટે AFI ID હોવું ફરજિયાત હોવાથી ખેલાડીઓએ સ્પર્ધા પહેલાં પોતાનું AFI ID તૈયાર રાખવાનું રહેશે.
તાપી જિલ્લાના વધુમાં વધુ લાયક ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવે અને રાષ્ટ્રીય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવે તે માટે ખેલાડીઓ તથા વાલીઓને અપીલ કરવામાં આવી છે.
વધુ માહિતી અને નોંધણી માટે તાપી જિલ્લા એથ્લેટીક્સ એસોસિએશનના સેક્રેટરી સંજયભાઈ કોસાડા (મો. ૯૮૭૯૦૭૧૨૧૯) અથવા એથ્લેટીક્સ કોચ પિંકલ આહિર (મો. ૯૮૯૮૩૭૧૦૨૭)નો સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
