એક્શનએઇડ સંસ્થા અને આદિમજૂથ યુવા મંચના સંયુક્ત ઉપક્રમે વ્યારા ખાતે “બાળ વિવાહ મુક્ત સમાજ” સંમેલન યોજાયું
Contact News Publisher

બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં જાગૃતિ અને સામૂહિક પ્રતિબદ્ધતાનો સંદેશ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૭. તા. 27 નવેમ્બર, 26ના રોજ એક્શનએઇડ સંસ્થા અને આદિમજૂથ યુવા મંચના સંયુક્ત ઉપક્રમે વ્યારા સ્થિત સરિતાનગર હોલ ખાતે “બાળ વિવાહ મુક્ત ભારત” અભિયાન અંતર્ગત “બાળ વિવાહ મુક્ત સમાજ” સંમેલન યોજાયું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળ લગ્નની પ્રથા અંગે સમાજમાં જાગૃતિ લાવવી, બાળ લગ્નના દૂષણો અને કાયદાકીય જોગવાઈઓ વિશે સમજણ કેળવવી તથા બાળ લગ્ન અટકાવવા યુવાનો, સમુદાયના આગેવાનો અને વિવિધ વિભાગોની સામૂહિક જવાબદારી સુનિશ્ચિત કરવાનો હતો.
કાર્યક્રમના પ્રારંભે રહેન્તાબેન ગામીત દ્વારા સંવાદ કાર્યક્રમના હેતુ અને 100 દિવસીય બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન વિશે માહિતી આપવામાં આવી હતી.
આદિમજૂથના આગેવાન નાનસિંગભાઈ દ્વારા આદિવાસી સમાજમાં બાળ લગ્નની પ્રથા, ખાસ કરીને આદિમજૂથ સમાજમાં બાળ લગ્નના પ્રમાણ અને તેના કારણે બાળકોના જીવન પર થતી ગંભીર અસરો વિશે માહિતી આપવામાં આવી હતી. બાળ લગ્નને કારણે બાળકોના શિક્ષણ, આરોગ્ય, માનસિક વિકાસ, ભવિષ્ય અને જીવનની તકો પર પડતી નકારાત્મક અસરો અંગે સમજણ આપવામાં આવી હતી.
તાપી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રતિનિધિ ખુશ્બુબેન દ્વારા બાળ લગ્નના વિવિધ દૂષણો, તેના સામાજિક અને વ્યક્તિગત પરિણામો તથા બાળ લગ્ન અટકાવવા જરૂરી સાવચેતી અને પગલાં અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
બાળ લગ્ન અટકાવવામાં યુવાનોની ભૂમિકા અંગે હંસાબહેન અને પ્રવીણભાઈએ પોતાના વિચારો રજૂ કરતાં જણાવ્યું હતું કે, યુવાનો પોતાના પરિવાર અને સમાજમાં લગ્ન પહેલાં ઉંમરની ચકાસણી થાય તે સુનિશ્ચિત કરશે અને કાયદેસરની ઉંમર પૂર્ણ થયા બાદ જ લગ્ન કરવા માટે પરિવારજનોને પ્રેરિત કરશે. આ રીતે બાળ લગ્ન મુક્ત સમાજના નિર્માણ માટે યુવાનો પોતાની જવાબદારી નિભાવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા નાલસા કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ તાપીના વી. આઈ. ગામીત સાહેબ દ્વારા બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ, 2006ના મુખ્ય પાસાઓ, કાયદાકીય જોગવાઈઓ, દંડ અને સજાની વિગતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે બાળ લગ્ન અટકાવવા કાયદાની ભૂમિકા અને કાયદાકીય સહાય મેળવવાની પ્રક્રિયા વિશે પણ સમજણ આપી હતી.
તાપી જિલ્લા બાળ સુરક્ષા વિભાગના બાળ સુરક્ષા અધિકારી શ્રી વિજય રાઠોડ દ્વારા બાળ સુરક્ષા વિભાગની કામગીરી, બાળકોના રક્ષણ માટે ઉપલબ્ધ સેવાઓ, સરકારી યોજનાઓ અને જરૂરિયાતમંદ બાળકોને મળતી સહાય અંગે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે “બાળ લગ્ન મુક્ત ગુજરાત” સ્ટીકરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
આગામી તા. 2 ડિસેમ્બર, 2026થી 16 દિવસીય અભિયાન અંતર્ગત એક્શનએઇડ સંસ્થા અને આદિમજૂથ યુવા મંચ દ્વારા ગામડાઓમાં બાળ લગ્ન વિરોધી જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવનાર છે. આ અંગે રમેશભાઈ તડવી દ્વારા ગામવાર કાર્યક્રમની તારીખ, સમય અને આયોજનની માહિતી રજૂ કરવામાં આવી હતી.
આ સંવાદ કાર્યક્રમમાં સામાજિક સંસ્થાઓ સરકારી વિવિધ મહિલા સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ, એકલ મહિલાઓના આગેવાનો તેમજ સમુદાયના સભ્યો સહિત કુલ 125 જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન એક્શનએઇડ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલી બાળ લગ્ન વિરોધી માહિતીપત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે ઉપસ્થિત તમામ સહભાગીઓએ “બાળ લગ્ન મુક્ત સમાજ” બનાવવાની પ્રતિજ્ઞા લીધી અને પ્રતિજ્ઞાપત્ર પર સહી કરીને બાળ લગ્ન અટકાવવા તથા બાળકોના સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની જવાબદારી નિભાવવાની સામૂહિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
બાળ લગ્ન અટકાવવું માત્ર કાયદાની જવાબદારી નથી, પરંતુ સમાજના દરેક વ્યક્તિની સામૂહિક જવાબદારી છે. બાળકોને શિક્ષણ, સુરક્ષા, સ્વતંત્રતા અને ઉજ્જવળ ભવિષ્ય આપીએ — બાળ લગ્ન મુક્ત સમાજનું નિર્માણ કરીએ
○○○
