181 અભયમની સમયસર કામગીરીથી આત્મહત્યાના વિચારો વ્યક્ત કરનાર વૃદ્ધ મહિલા સુરક્ષિત બચી

જાગૃત નાગરિકની જાણ બાદ 181 અભયમ ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ, સંવેદનશીલ કાઉન્સેલિંગ, જોખમનું મૂલ્યાંકન, પરિવારની ઓળખ અને જરૂરી ચકાસણી બાદ વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે પરિવારને સોંપી
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. 14. ગત રોજ સુરતના પુણા વિસ્તારમાં એક વૃદ્ધ મહિલા મૂંઝવણભરી સ્થિતિમાં એકલા જોવા મળતા એક જાગૃત નાગરિકે માનવતાની ભાવનાથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી મદદ માંગી હતી. માહિતી મળતાં જ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની રેસ્ક્યૂ ટીમ વિલંબ કર્યા વિના સ્થળ પર પહોંચી મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરી અને તેમને સુરક્ષિત વાતાવરણમાં લઈ સંવેદનશીલ કાઉન્સેલિંગ શરૂ કર્યું.
કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ માનસિક તણાવના કારણે આત્મહત્યાના વિચારો આવતા હોવાનું જણાવ્યું હતું. મહિલાની સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી 181 અભયમની ટીમે તેમને સતત ભાવનાત્મક સહારો આપ્યો, વિશ્વાસમાં લીધા, તેમની સાથે ધીરજપૂર્વક વાતચીત કરી અને જોખમનું મૂલ્યાંકન કરીને સંકટમાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો. ટીમના સમયસર હસ્તક્ષેપ અને અસરકારક કાઉન્સેલિંગના પરિણામે મહિલાને આત્મવિશ્વાસ મળ્યો અને સંભવિત અનિચ્છનીય ઘટના અટકાવવામાં સફળતા મળી.
વધુ પૂછપરછ દરમિયાન મહિલાની યાદશક્તિ નબળી હોવાનું જાણવા મળ્યું. તેમ છતાં 181 અભયમની ટીમે હિંમત હાર્યા વગર દરેક સંભવિત માહિતીના આધારે પરિવાર સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ રાખ્યા. તપાસ દરમિયાન મહિલાના જમણા હાથ પર કાયમી રીતે લખાયેલા પરિવારના મોબાઇલ નંબર અને સરનામાની વિગતો મળી આવી. ફોન દ્વારા સંપર્ક ન થતાં ટીમ સીધી દર્શાવેલા સરનામે પહોંચી. ત્યાં પરિવારના સભ્યોની ઓળખ અને સંબંધની જરૂરી ચકાસણી કર્યા બાદ મહિલાને તેમના પરિવારના જવાબદાર સભ્યોને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યા.
પરિવારજનોએ જણાવ્યું કે મહિલાની સવારથી શોધખોળ ચાલી રહી હતી અને તેઓ ખૂબ ચિંતિત હતા. વૃદ્ધ મહિલા સુરક્ષિત રીતે ઘરે પરત ફરતાં પરિવારજનોએ રાહતની લાગણી વ્યક્ત કરી અને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ત્વરિત કામગીરી, સંવેદનશીલ કાઉન્સેલિંગ, સતત પ્રયાસો અને માનવતાભર્યા અભિગમ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા પરિવારજનોને વૃદ્ધ મહિલાની માનસિક અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખી તેમની નિયમિત દેખરેખ રાખવા, તેમને એકલા ન છોડવા, સમયસર તબીબી સારવાર અને જરૂરી કાઉન્સેલિંગ ઉપલબ્ધ કરાવવા તેમજ ભવિષ્યમાં આવી કોઈપણ સંકટજનક પરિસ્થિતિ સર્જાય તો વિલંબ કર્યા વિના 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું.
181 અભયમ મહિલા હેલ્પલાઇન માત્ર ઇમરજન્સી રેસ્ક્યૂ સેવા જ નથી, પરંતુ સંકટની પરિસ્થિતિમાં મહિલાઓને તાત્કાલિક સુરક્ષા, માનસિક સહારો, વ્યાવસાયિક કાઉન્સેલિંગ, પરિવાર સાથે સુરક્ષિત પુનર્મિલન અને જરૂરી સંકલન દ્વારા તેમના જીવન, સુરક્ષા અને ગૌરવનું રક્ષણ કરવા માટે સતત કાર્યરત છે. સમાજમાં મહિલાઓ માટે વિશ્વાસનું કેન્દ્ર બની 181 અભયમ દરેક સંકટગ્રસ્ત મહિલાને સમયસર અને અસરકારક સહાય પહોંચાડવા પ્રતિબદ્ધ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
