ઓલપાડ તાલુકાની કરમલા, ભટગામ અને સિવાણ ગામની પ્રાથમિક શાળાઓના નવનિર્મિત મકાનોનું ભવ્ય લોકાર્પણ સંપન્ન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૭. રાજ્યના શિક્ષણ વિભાગ તથા સમગ્ર શિક્ષા દ્વારા ઓલપાડ તાલુકાના શિક્ષણ ક્ષેત્રે સુવિધાઓમાં વધારો કરતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તાલુકાની કરમલા પ્રાથમિક શાળા ખાતે ખાસ સમારોહ યોજીને રૂ. ૩૩૩ લાખના ખર્ચે તૈયાર થયેલ કરમલા, ભટગામ અને સિવાણ ગામની પ્રાથમિક શાળાઓના નવનિર્મિત આધુનિક મકાનોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સરાહનીય લોકાર્પણ કાર્યક્રમ પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી તથા ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના વરદ હસ્તે સંપન્ન થયો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ બ્રિજેશભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય કિરણભાઈ પટેલ અને હેમંતભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ પિયુષભાઈ પટેલ, ઉપપ્રમુખ મેઘનાબેન પટેલ, શાસકપક્ષ નેતા કિરીટભાઈ પટેલ તથા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ નિરીક્ષાબેન રાઠોડ, સામાજિક અગ્રણી કુલદીપસિંહ ઠાકોર, સુનીલભાઈ પટેલ અને ભક્તિબેન ગોરાણી સહિત ઓલપાડ તાલુકા પંચાયતના સદસ્યો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉદ્દઘાટક એવા ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર શિક્ષા અંતર્ગત નિર્માણ પામેલા કરમલા, ભટગામ અને સિવાણ પ્રાથમિક શાળાના સુસજ્જ અને નવીન મકાનોથી ગ્રામીણ વિસ્તારના બાળકોને ઉત્કૃષ્ટ, સુરક્ષિત અને ભૌતિક સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ પ્રાપ્ત થશે. ગ્રામીણ બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. અત્રે કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં સુરતના સાંસદ મુકેશભાઈ દલાલે નવીન સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે અને દેશ તથા રાજ્યનું નામ રોશન કરે તે માટે શિક્ષકો અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રારંભે બી.આર.સી. કો-ઓર્ડીનેટર બ્રિજેશ પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. દીપ પ્રાગટ્ય અને વંદે માતરમના ગાન બાદ યજમાન શાળા સહિત ભટગામ અને સીવાણ ગામની પ્રાથમિક શાળાઓની તકતીનું અનાવરણ કરી નવનિર્મિત મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ શાળાઓના શિક્ષકો, ગ્રામજનો, શિક્ષણપ્રેમીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભારવિધિ કરમલા પ્રાથમિક શાળાના આચાર્ય નીલેશ પટેલે આટોપી હતી. કાર્યક્રમના ઉદ્દઘોષક તરીકે રાકેશ મહેતાએ સેવા બજાવી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
