સોનગઢ ખાતે રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે ‘સ્વદેશી મેળો – શોપિંગ કમ ફૂડ ફેસ્ટિવલ ૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૮ :- સોનગઢ નગરપાલિકાના દ્વારા આયોજિત ‘સર્જનથી સમૃદ્ધિ સુધી’ થીમ આધારિત “સ્વદેશી મેળો – શોપિંગ કમ ફૂડ ફેસ્ટિવલ ૨૦૨૬”નો રાજ્યકક્ષાના ઉદ્યોગ, રમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે શનિવારે રિબીન કાપીને ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર અને વિકસિત ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સ્વપ્નને સાકાર કરવા સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું અત્યંત જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, સખી મંડળો અને નાના કારીગરોને આર્થિક રીતે સક્ષમ બનાવી રોજગારીની નવી તકો પૂરી પાડવી એ સરકારની પ્રાથમિકતા છે.
તેમણે, સોનગઢ તથા તાપી જિલ્લાના તમામ નાગરિકોને આ સ્વદેશી મેળાની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો પાસેથી ખરીદી કરીને તેમને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.
ઉદ્ઘાટન બાદ મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે સ્થાનિક કારીગરો અને સખી મંડળો દ્વારા પ્રદર્શિત કરાયેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. તેમણે સ્વદેશી વસ્તુઓ, હસ્તકલા સામગ્રી તેમજ ખાદ્યપદાર્થોના ઉત્પાદનોનું નિરીક્ષણ કરી મહિલા સશક્તિકરણ અને ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને પ્રોત્સાહિત કર્યું હતું.
આ મેળામાં ૩૦થી વધુ બહુવિધ સ્ટોલ્સ, પરંપરાગત ફૂડ ઝોન, મિલેટ્સ, સુશોભનની વસ્તુઓ, કહોડની થેલીથી લોકજાગૃતિનો સંદેશ આપતા સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
રંગ ઉપવન ખાતે આયોજિત આ મેળો તા. ૧૭ થી ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ચાલશે. ઉદ્ઘાટન પ્રસંગે સોનગઢ નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
○●○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
