તાપીના કલાકારો માટે સુવર્ણ તક : કલા મહાકુંભ-૨૦૨૬’ માં ભાગ લેવા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

0
તાપીના કલાકારો માટે સુવર્ણ તક : કલા મહાકુંભ-૨૦૨૬' માં ભાગ લેવા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
Contact News Publisher

૩૭ સાંસ્કૃતિક કૃતિઓ માટે ૦૫મી ઓગસ્ટ સુધી ઓફલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકાશે

— 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) તા. 14. – ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર તાપીના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપી દ્વારા આ વર્ષે પણ ‘કલા મહાકુંભ’નું તાલુકા અને જિલ્લા કક્ષાએ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અતિ લોકપ્રિય સ્પર્ધા માટે ઓફલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા તા. ૧૦/૦૭/૨૦૨૬ થી શરૂ થઈ ચૂકી છે, જે આગામી તા. ૦૫/૦૮/૨૦૨૬ સુધી ચાલશે.

 

આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ જેટલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓનો સમાવેશ કરાયો છે, જેમાં કલાકારો ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના એમ કુલ ચાર વયજૂથમાં પોતાની કલાનું પ્રદર્શન કરી શકશે. આ સ્પર્ધા અંતર્ગત તાલુકા કક્ષાએથી શરૂ થતી સુગમ સંગીત, ગરબા, લોકનૃત્ય, રાસ અને વક્તૃત્વ સહિતની ૧૪ કૃતિઓ યોજાશે. જ્યારે, સીધી જિલ્લા કક્ષાએથી સ્કૂલ બેન્ડ અને દુહા-છંદ સહિતની ૦૯ કૃતિઓ, પ્રદેશ કક્ષાએથી ઓડિસી અને મોહિનીઅટ્ટમ સહિતની ૦૭ કૃતિઓ તેમજ સીધી રાજ્ય કક્ષાએથી ભવાઈ, પખવાજ અને જોડિયાપાવા સહિતની ૦૭ કૃતિઓની સ્પર્ધાઓ યોજાશે.

 

આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા વ્યારા તાલુકાના કલાકારોએ પોતાના અરજીપત્રકો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન, બ્લોક નં. ૬, પ્રથમ માળ, પાનવાડી, વ્યારા ખાતે જમા કરાવવાના રહેશે. જ્યારે અન્ય તાલુકાના સ્પર્ધકો માટે સોનગઢ તાલુકામાં સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આશિષભાઈ ગામીત, ઉચ્છલ તાલુકામાં મોડેલ સ્કૂલ વડપાડા નેસુ ખાતે કમલેશભાઈ માહ્યાવંશી, નિઝર તાલુકામાં મોડેલ સ્કૂલ ખાતે ગુલસિંગભાઈ ચૌધરી, કુકરમુંડા તાલુકામાં પી. એમ. બુહારી હાઈસ્કૂલ ખાતે વિજયભાઈ પટેલ, ડોલવણ તાલુકામાં વિવિધલક્ષી હાઈસ્કૂલ ખાતે રાજેશભાઈ ચૌધરી તેમજ ઉકાઈ વિસ્તારના સ્પર્ધકોએ વનરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સિલેટવેલ ખાતે મનીષકુમાર પટેલને પોતાના ફોર્મ સુપરત કરવાના રહેશે.

 

આ કલાત્મક મહોત્સવમાં તાપી જિલ્લાના વધુમાં વધુ પ્રતિભાશાળી કલાકારો ભાગ લઈ શકે તે માટે તમામ શાળાઓ, કોલેજો, સાંસ્કૃતિક સંસ્થાઓ તેમજ શાળા-કોલેજ ન જતા અન્ય કલાકારોને પોતાનું અરજીપત્રક જે-તે તાલુકાના કન્વીનરશ્રીઓને સમયમર્યાદામાં પહોંચાડવાનું રહેશે.

 

અત્રે નોંધનીય છે કે, સીધી જિલ્લા, પ્રદેશ તથા રાજ્ય કક્ષાની સ્પર્ધાઓની એન્ટ્રીઓ પણ સીધી જિલ્લા કચેરી, પાનવાડી-વ્યારા ખાતે જમા કરાવવાની રહેશે. કલા મહાકુંભના વિગતવાર નિયમો અને ફોર્મ જે-તે તાલુકાના કન્વીનરશ્રીઓ પાસેથી અથવા જિલ્લા સેવા સદન, બ્લોક નં. ૬, પ્રથમ માળ, વ્યારા ખાતેથી મેળવી શકાશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી અમૃતાબેન આર. ગામીત દ્વારા પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *