વાંસકુઈ પ્રાથમિક શાળાના શિક્ષક જીતેન્દ્રભાઈને સેવા નિવૃત્તિની ભવ્ય વિદાઈ અપાઈ

0
વાંસકુઈ પ્રાથમિક શાળાના શિક્ષક જીતેન્દ્રભાઈને સેવા નિવૃત્તિની ભવ્ય વિદાઈ અપાઈ
Contact News Publisher

શિક્ષણની જ્યોતને ૩૬ વર્ષ પ્રજવલિત રાખનાર જીતેન્દ્રભાઈએ બીજા શિક્ષકની નિમણૂક ના થાય ત્યાં સુધી દરરોજ શાળાએ આવી બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવાનો સંકલ્પ કર્યો

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૧૮– તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વાંસકુઈ પ્રાથમિક શાળાના શિક્ષક જીતેન્દ્રભાઈ રઘાભાઈ ચૌધરી શૈક્ષણિક કારકિર્દીમાં ૩૬ વર્ષ સેવા બજાવી વયનિવૃત્ત થતા ગ્રામજનો સહિત મહાનુભાવોએ તેમની સેવાઓને બિરદાવી તા.૧૭/૧૦/૨૦૨૬ ના રોજ ભવ્ય વિદાઈ આપી હતી.

 

વિદાય સમારોહના અધ્યક્ષ અને તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુધાકરભાઈ એલ ગામીતે મહાનુભાવોને સત્કાર કરતા જણાવ્યું હતું કે, બાળકોમાં સંસ્કારનું સિંચન અને સાચી કેળવણી આપવાનું કામ શિક્ષક કરે છે.

 

સામાજીક,શૈક્ષણિક સહિત રાજનીતિ સુધીના કોઈપણ ક્ષેત્રે પહોંચેલા વ્યક્તિનું ઘડતર શિક્ષક કરે છે. આજે શિક્ષકની સેવાઓને હંમેશા બિરદાવવી જ પડે

 

સમારંભના ઉદઘાટક અને વીર નર્મદ યુનિવર્સિટી,સુરતના પૂર્વ એસોસિયેટ પ્રો.ડો.રાયસીંગભાઈ બી.ચૌધરીએ શિક્ષણના ક્ષેત્રે થયેલા વિકાસની ઝાંખી કરાવતા કહ્યું હતું કે વર્ષો પહેલા અહીં નાની શાળા હતી. હવે શાળાના શિક્ષકો, ગ્રામજનોના અથાગ પરિશ્રમ થકી ખૂબ જ આધુનિક શાળા સંકુલનું નિર્માણ થયું છે. આભની ક્ષિતિજ સુધી,સૂર્ય-ચંદ્રના તેજ સુધી, નદીઓના નીર સુધી,સમુદ્રની ગહેરાઈ સુધી શિક્ષણની જ્યોત હંમેશા પ્રજવલિત રહેશે.

 

વાલોડ તાલુકાના ધામોદલા ગામના વતની જીતેન્દ્રભાઈએ ૧૯૯૦થી શિક્ષક તરીકે જોડાઈને તા.૩૧/૧૦/૨૦૨૬ સુધીની કારકિર્દીમાં ૩૬ વર્ષ સુધીના સેવાકાળ દરમિયાન અનેક શૈક્ષણિક, સામાજીક કાર્યોની મહેક ફેલાવી છે.૧૪ વર્ષ વાંસકુંઈ પ્રા.શા.માં ફરજ બજાવી સી.આર.સી. તરીકે તેમજ પ્રા.શિક્ષક સંઘને મજબૂત બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. શિક્ષકોને સામાજીક વિકાસ માટે નાણાં ભંડોળ આપવા માટે તેમના સમયમાં સોસાયટીની લોનમાં વધારો કરી શિક્ષકોના બાળકો ઉચ્ચ અભ્યાસ કરી શકે તેવા પ્રયાસો કર્યા હતા. વધુમાં સરકારશ્રીના સેવા સંકલ્પ અભિયાનને સાકાર કરતા નિવૃત્તિ બાદ પણ પોતાની જગ્યા ઉપર બીજા શિક્ષક ફરજ ઉપર હાજર ન થાય ત્યાં સુધી શાળાના બાળકોને મફત શિક્ષણ આપવાનો સંકલ્પ કર્યો હતો. જેને ઉપસ્થિત સૌ ગ્રામજનોએ ઉત્સાહભેર વધાવી લીધો હતો.

 

વડોદરા-કાલોલ કોલેજના એસોસિયેટ પ્રોફેસર દિલીપકુમાર બી.ચૌધરીએ શાળાના બાળકો તેમજ ગામના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પુસ્તકો આપવાની કટીબધ્ધતા વ્યક્ત કરી હતી. જીતેન્દ્રભાઈએ શિક્ષક સંઘને રૂા.૧૦,૦૦૦/-, વાંસકુઈ શાળાના વિકાસ માટે રૂા.૧૦,૦૦૦/- અને શાળાના વિદ્યાર્થીઓને રૂા.૧૦,૦૦૦/- ના ચેક અર્પણ કર્યા હતા. પ્રો.રાયસીંગભાઈ એ રૂા.૫૦૦૦/- રોકડ પુરસ્કાર બાળકોને અર્પણ કર્યા હતા.

 

વિદાય સમારોહમાં તાલુકા પ્રા.સંઘના સુંદરભાઈ, મહામંત્રી ગિરીશભાઈ, કિરણભાઈ,કાર્યવાહક પ્રમુખ સુરેશભાઈ, મુખ્ય મહેમાન નિ. સે.ઓફિસર કનુભાઈ, કૌશિકભાઈ, રાજીવભાઈ, અનિલભાઈ, ધર્મેશભાઈ, અજીતભાઈ, સોનલબેન, અતિથિ વિશેષ વાંસકુઈ સરપંચ વિરસીંગભાઈ, ડે.સરપંચ હિતેશભાઈ, દુધ મંડળી પ્રમુખ નાથુભાઈ, મંત્રી સુમિત્રાબેન, મહિલા દુ.મં.પ્રમુખ ઈચ્છુબેન, મંત્રી વિણાબેન સહિત શાળા પરિવાર, SMC સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

○●○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *