બે દિવસથી ભટકી રહેલી નિરાધાર વૃદ્ધ મહિલાનો 181 અભયમે બન્યો સહારો

0
બે દિવસથી ભટકી રહેલી નિરાધાર વૃદ્ધ મહિલાનો 181 અભયમે બન્યો સહારો
Contact News Publisher

સ્થળ પર પહોંચી સતત કાઉન્સેલિંગ અને ઓળખના પ્રયાસો કર્યા બાદ વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે ઓલ્ડ એજ હોમમાં પુનર્વસન કરાવ્યું.

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૫. ગત રોજ સરથાણા વિસ્તારના રાધે ફાર્મ પાસે આશરે 75 વર્ષીય એક વૃદ્ધ મહિલા છેલ્લા બે દિવસથી નિરાધાર હાલતમાં ભટકી રહ્યા હોવાનું એક જાગૃત નાગરિકના ધ્યાનમાં આવતા તેમણે માનવતાની ભાવનાથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી મદદ માંગી હતી.

માહિતી મળતાં જ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ઉમરા રેસ્ક્યૂ ટીમ વિલંબ કર્યા વિના સ્થળ પર પહોંચી સૌપ્રથમ વૃદ્ધ મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરી અને તેમને સુરક્ષિત વાતાવરણમાં લઈ સંવેદનશીલ કાઉન્સેલિંગ શરૂ કર્યું. શરૂઆતમાં મહિલા ખૂબ જ ગભરાયેલા અને મૂંઝવણભરી સ્થિતિમાં હોવાથી તેઓ કોઈ સ્પષ્ટ માહિતી આપી શકતા નહોતા. તેમ છતાં ટીમે ધીરજ, આત્મીયતા અને વિશ્વાસ સાથે સતત વાતચીત ચાલુ રાખી.

કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ પોતાનું નામ તથા તેઓ હાઉસિંગ વિસ્તારમાં રહેતા હોવાનું જણાવ્યું. વધુ પૂછપરછમાં તેમણે તેમના પરિવારના સભ્યોનું અવસાન થઈ ચૂક્યું હોવાનું જણાવ્યું. મહિલાની નબળી યાદશક્તિને ધ્યાનમાં રાખી 181 ટીમે ઘરનું સરનામું, પરિવારજનો, ઓળખીતા તથા અન્ય ઉપલબ્ધ માહિતી મેળવવા માટે સતત અને વ્યવસ્થિત પ્રયાસો કર્યા, પરંતુ કોઈ વિશ્વસનીય માહિતી મળી શકી નહોતી.
મહિલાની ઉંમર, માનસિક સ્થિતિ અને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી 181 અભયમની ટીમે મહિલાને રસ્તા પર નિરાધાર હાલતમાં ન છોડતાં તેમના શ્રેષ્ઠ હિતને પ્રાથમિકતા આપી જરૂરી સંકલન હાથ ધર્યું. સુરત શહેરમાં તેમના કોઈ પરિવારજન કે ઓળખીતા મળી ન આવતા, તમામ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ મહિલાને ઓલ્ડ એજ હોમમાં સુરક્ષિત આશ્રય અને યોગ્ય સંભાળ ઉપલબ્ધ કરાવવામાં આવી.

181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા ઓલ્ડ એજ હોમના સંચાલકોને મહિલાની શારીરિક અને માનસિક સ્થિતિ અંગે જરૂરી માહિતી આપી તેમની નિયમિત સંભાળ, આરોગ્ય તપાસ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *