રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા બાલવાટિકા ધોરણ 1 અને 2 ની ત્રિ-દિવસીય તાલીમ યોજવામાં આવી

0
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા બાલવાટિકા ધોરણ 1 અને 2 ની ત્રિ-દિવસીય તાલીમ યોજવામાં આવી.
Contact News Publisher

વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે થતી તમામ આંતરક્રિયા અને પ્રવૃત્તિઓ તેમજ બાળકનાં ઘડતર અને રાષ્ટ્ર નિર્માણ માટે તાલીમ જરૂરી માધ્યમ: બ્રિજેશ પટેલ

 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૬. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા સૂચિત 5+3+3+4 નાં શાળાકીય માળખા પૈકી પાયાનાં તબક્કાનાં પાંચ વર્ષ બાળકનાં સર્વાંગી વિકાસ માટે ખૂબ જ અગત્યનાં છે. આ પાંચ વર્ષ પૈકી બાલવાટિકા અને ધોરણ 1-2 નાં ત્રણ વર્ષ દરમિયાન બાળક આપણી પાસે પ્રાથમિક શાળામાં હોય છે. શાળામાં આ ત્રણ વર્ષ દરમિયાન બાળકને એવાં અધ્યયન અનુભવો મળવા જોઈએ કે જેથી એના ભાવિ શિક્ષણનો પાયો મજબૂત બને.

‘રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા – પાયાનો તબક્કો 2023’નું અમલીકરણ આપણા રાજ્યમાં થઈ ગયું છે. આ અભ્યાસક્રમ રૂપરેખા અને નિપુણ ભારત મિશનમાં દર્શાવેલ બાબતોને આમેજ કરીને આપણે બાલવાટિકા અને ધોરણ 1-2 ની તૈયાર કરેલ અધ્યયન અધ્યાપન સામગ્રીનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ એ અંગેની ત્રિ-દિવસીય તાલીમ બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા અત્રેની પરીયા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી હતી.

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત આ તાલીમ વર્ગમાં બાલવાટિકા, ધોરણ 1 તથા 2 નાં શિક્ષક ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સદર તાલીમ વર્ગનાં તજજ્ઞ એવાં ડિમ્પલ પટેલ (ટકારમા), વર્ષા પટેલ (કરમલા), હીના પટેલ (કંથરાજ), હેતલ પટેલ (ઉમરાછી), પ્રિતી પટેલ (બરબોધન), ઈલા પટેલ (ઓલપાડ બ્રાન્ચ), પંકજ પટેલ (લવાછા ચોર્યાસી), હેમા મૈસુરીયા (કુંકણી) તથા ઈલા મહીડા (બી.આર.પી. નિપુણ) દ્રારા તાલીમને પોતાનાં વર્ગખંડમાં અમલીકૃત કરવા શિક્ષક પ્રશિક્ષણ મોડ્યુલથી તાલીમાર્થીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતાં.

આ તકે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવવામાં આવ્યું હતું કે ‘ભારતનું ભાવિ એનાં વર્ગખંડમાં ઘડાય છે’ એ વાત સારી રીતે સમજવા માટે આ તાલીમ સૌને ખૂબ ઉપયોગી બનશે. તાલીમ દરમિયાન આપણને જાણવા મળશે કે વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે થતી તમામ આંતરક્રિયા અને પ્રવૃત્તિઓ બાળકનાં ઘડતરમાં અને રાષ્ટ્રનાં નિર્માણમાં કેવી રીતે ફાળો આપે છે. વિદ્યાર્થીમાં 21મી સદીનાં કૌશલ્યો વિકસાવવા માટે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં કેવું પરિવર્તન કરવું જોઈએ એ વાત પણ આપણને આ તાલીમ દરમિયાન જાણવા મળશે. તાલીમ વર્ગનાં સંચાલક તરીકે રાજનગરનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ પટેલ તથા પિંજરતનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર પરેશ પટેલે ફરજ બજાવી હતી. જ્યારે લાયઝન અધિકારી તરીકે ડાયેટનાં ચેતન મહેતા ખડેપગે રહ્યાં હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *