ચાણક્ય ભવન ગાંધીનગર ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં નવનિયુક્ત પ્રમુખ મહામંત્રીનું વિશેષ સન્માન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૨૧. તાજેતરમાં ચાણક્ય ભવન, ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનાત્મક મુદ્દાઓની ચર્ચા સાથે નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં નવનિયુક્ત બિનહરીફ પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા નવનિયુક્ત બિનહરીફ મહામંત્રી બિપીનભાઈ પટેલનું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી જૈમિનભાઈ પટેલનાં હસ્તે પુષ્પગુચ્છ અર્પણ કરી અને શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન બદલ પ્રતિભાવ આપતા સુરત જિલ્લાનાં નવનિયુક્ત પ્રમુખ બળદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સંઘે અમારા પર મૂકેલો વિશ્વાસ અમે જાળવી રાખીશું. સુરત જિલ્લાનાં દરેક તાલુકાનાં શિક્ષકોનાં પ્રશ્નોને પ્રાથમિકતા આપી તેનાં નિરાકરણ માટે અમે કટિબદ્ધ છીએ. સંગઠનને વધુ મજબૂત બનાવીશું. મહામંત્રી બિપીનભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સન્માન એ અમારી જવાબદારીમાં વધારો છે. શિક્ષકોનાં હિત માટે અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. રાજ્ય સંઘનાં માર્ગદર્શન હેઠળ કામ કરીશું. અંતમાં બંને હોદ્દેદારોએ રાજ્ય સંઘનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
