રેલવે સ્ટેશન પર પરિવારથી વિખૂટી પડેલી દોઢ વર્ષની બાળકીનું ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ની ત્વરિત કામગીરીથી સુરક્ષિત પુનર્મિલન

0
રેલવે સ્ટેશન પર પરિવારથી વિખૂટી પડેલી દોઢ વર્ષની બાળકીનું ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ની ત્વરિત કામગીરીથી સુરક્ષિત પુનર્મિલન
Contact News Publisher

જાગૃત નાગરિકની સતર્કતા, ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ની સમયસર કાર્યવાહી, કાઉન્સેલિંગ અને GRP સાથેના અસરકારક સંકલનથી બાળકીને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૫. સુરત રેલવે સ્ટેશન ખાતે ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ની સતર્કતા, ત્વરિત પ્રતિસાદ અને GRP સાથેના અસરકારક સંકલનના પરિણામે પરિવારથી વિખૂટી પડેલી આશરે દોઢ વર્ષની બાળકીનું સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે પુનર્મિલન કરાવવામાં આવ્યું.

તા. 14/07/2026ના રોજ સાંજે આશરે 05:30 કલાકે ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ના સુપરવાઇઝર દિવ્યા મહાકાલ તથા રિતલ ડામોર સુરત રેલવે સ્ટેશન ખાતે નિયમિત રાઉન્ડિંગમાં હતા. તે દરમિયાન એક જાગૃત નાગરિક દ્વારા પેસેજ એરિયા પાસે પરિવારજનો વિના એકલી હાલતમાં એક બાળકી જોવા મળતા તેની સુરક્ષાને ધ્યાનમાં રાખી ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ને જાણ કરવામાં આવી.

માહિતી મળતા જ ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકીને સુરક્ષિત કસ્ટડીમાં લઈ ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક પર લાવવામાં આવી. બાળકીને હૂંફભર્યો માહોલ અને જરૂરી સંભાળ પૂરી પાડવામાં આવી. સાથે જ તેના પરિવારજનોની શોધખોળ માટે રેલવે સ્ટેશન પર વારંવાર જાહેર જાહેરાતો (Announcements) કરાવવામાં આવી અને સમગ્ર ઘટનાની જાણ GRPને કરી જરૂરી સંકલન સ્થાપિત કરવામાં આવ્યું.

જાહેર જાહેરાતના આધારે થોડા સમય બાદ બાળકીની માતા તથા અન્ય પરિવારજન ચાઇલ્ડ હેલ્પલાઇન ડેસ્ક પર પહોંચ્યા. ત્યારબાદ ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ના કેસ વર્કર દીપક જાયસવાલ દ્વારા પરિવારજનોની વિગતવાર પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બાળકી અણધાર્યા સંજોગોમાં પરિવારથી વિખૂટી પડી હતી.

ત્યારબાદ ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ની ટીમ દ્વારા પરિવારજનોના ઓળખના દસ્તાવેજોની જરૂરી ચકાસણી કરવામાં આવી તથા GRP સાથે સંકલન કરીને નિયત પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. બાળકીને હસ્તાંતર કરતા પહેલાં પરિવારજનોને મુસાફરી દરમિયાન બાળકો પર સતત નજર રાખવા, ભીડભાડવાળા સ્થળોએ વિશેષ સાવચેતી રાખવા, બાળકોને એકલા ન છોડવા તેમજ આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક ચાઇલ્ડ હેલ્પલાઇન-1098 અથવા સંબંધિત તંત્રનો સંપર્ક કરવા અંગે કાઉન્સેલિંગ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
ઓળખની જરૂરી ચકાસણી તથા તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ GRPની ઉપસ્થિતિમાં બાળકીને તેની માતાને સુરક્ષિત રીતે હસ્તાંતરિત કરવામાં આવી.

ચાઇલ્ડ હેલ્પલાઇન-1098 કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોને સમયસર બચાવ (Rescue), કાઉન્સેલિંગ, પરિવાર સાથે પુનર્મિલન, પુનર્વસન તેમજ સંબંધિત વિભાગો સાથે સંકલન દ્વારા બાળકના શ્રેષ્ઠ હિતમાં જરૂરી સહાય અને સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનું કાર્ય સતત નિષ્ઠાપૂર્વક કરી રહી છે.

ચાઇલ્ડ હેલ્પલાઇન-1098 દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે કોઈપણ બાળક પરિવારથી વિખૂટું પડેલું, મુશ્કેલીમાં, શોષણનો ભોગ બનતું અથવા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતું જણાય તો ટોલ ફ્રી નંબર 1098 પર તાત્કાલિક જાણ કરી બાળકને સમયસર સુરક્ષા અને સહાય ઉપલબ્ધ કરાવવામાં સહયોગ આપે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *