૭૦મા SGFI શાળાકીય રમત મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાઈ

0
૭૦મા SGFI શાળાકીય રમત મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાઈ
Contact News Publisher

તાલુકા કક્ષાની સ્પર્ધાઓ ૨૮ થી ૩૧ જુલાઈ અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ ૧ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન યોજાશે

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૫. :- ૭૦મી SGFI શાળાકીય રમત મહોત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત તાલુકા તેમજ જિલ્લા કક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધાઓનું સફળ અને સુચારૂ આયોજન થાય તે હેતુથી જિલ્લા રમત સંકુલ ખાતે બેઠક યોજાઈ હતી.

 

જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ બેઠકમાં સ્પર્ધાઓના સમયપત્રક, ખેલાડીઓની ઓનલાઈન નોંધણી, વય ચકાસણી અને SGFI ના નિયમોના ચુસ્ત પાલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

 

આ ઉપરાંત રમતના મેદાનોની સજ્જતા, રમતગમતના સાધનોની ઉપલબ્ધતા, નિષ્પક્ષ નિર્ણાયકો ની નિમણૂક તેમજ સ્પર્ધા સ્થળે ખેલાડીઓ માટે તબીબી અને સુરક્ષા વ્યવસ્થા સહિતના તમામ આયોજનાત્મક મુદ્દાઓ અંગે ઉપસ્થિતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

 

બેઠક દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ રમત મહોત્સવનું આયોજન સંપૂર્ણ પારદર્શક, સમયબદ્ધ અને નિયમોનુસાર થાય તે માટે તમામ કન્વીનરો અને સહ-કન્વીનરોને પરસ્પર સંકલન સાધી જવાબદારીપૂર્વક કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. જ્યારે જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ જિલ્લાના વધુમાં વધુ વિદ્યાર્થી ખેલાડીઓ આ રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લે અને તેમની ખેલપ્રતિભા ઉજાગર થાય તે માટે પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપી હતી.

 

જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી તરફથી પ્રાપ્ત અખબારી યાદી મુજબ તાલુકા કક્ષાની સ્પર્ધાઓ આગામી તા. ૨૮/૦૭/૨૦૨૬ થી તા. ૩૧/૦૭/૨૦૨૬ સુધી અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ તા. ૦૧/૦૮/૨૦૨૬ થી તા. ૨૦/૦૮/૨૦૨૬ દરમિયાન વિવિધ રમત મેદાનો પર યોજાશે.

 

આ સમીક્ષા બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાના તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષાના કન્વીનરો, સહ-કન્વીનરો, શારીરિક શિક્ષણ નિરીક્ષકો, વ્યાયામ શિક્ષકો, વિવિધ રમતગમત સંઘોના પ્રતિનિધિઓ, કોચશ્રીઓ તેમજ રમતગમત વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

બેઠકના અંતે ઉપસ્થિત તમામ રમત અધિકારીઓ અને શિક્ષકોએ સંપૂર્ણ ટીમભાવના અને પરસ્પર સમન્વયથી કામગીરી કરી ૭૦ મા SGFI શાળાકીય રમત મહોત્સવને ભવ્ય રીતે સફળ બનાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *