‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’ અંતર્ગત તાપી જિલ્લામાં રંગોળી સ્પર્ધાનું આયોજન

વિકસિત ભારત, સેવા સંકલ્પ અભિયાન અને જનકલ્યાણકારી યોજનાઓ સહિતની થીમ પર વ્યક્તિગત તથા ગૃપ રંગોળી સ્પર્ધા યોજાશે
—-
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૫. ગુજરાત સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપી દ્વારા નાગરિકોની સર્જનાત્મકતા, ટીમવર્ક, સ્થાનિક સંસ્કૃતિ અને સામૂહિક ભાગીદારીને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી ‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધા તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ જે.બી. એન્ડ એસ.એ. સાર્વજનિક હાઈસ્કૂલ, વ્યારા ખાતે યોજાશે. સ્પર્ધા માટે રિપોર્ટિંગ સમય સવારે ૯:૦૦ કલાકે, જ્યારે સ્પર્ધાનો સમય સવારે ૧૦:૦૦થી બપોરે ૧:૦૦ કલાક સુધીનો રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુકોએ આપેલી Google Form લિંક મારફતે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
સ્પર્ધા માટે ‘વિકસિત ભારત @ ૨૦૪૭’, ‘વિકસિત ભારતનું સ્વપ્ન’, ‘મેક ઇન ઇન્ડિયા’, ‘સેવા સંકલ્પ અભિયાન’, ‘જન કલ્યાણકારી યોજનાઓ’, ‘સપ્તધારા વિઝન’, ‘રાષ્ટ્રીય પ્રતીક’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવી થીમ રાખવામાં આવી છે.
રંગોળીની કૃતિ મુવેબલ તથા કાર્યક્રમ દરમિયાન હેરફેરમાં સરળ રહે અને તેની ડિઝાઇન જળવાઈ રહે તે રીતે તૈયાર કરવાની રહેશે. રંગોળીમાં માત્ર કુદરતી સામગ્રી જેવી કે ફૂલ, માટી, રેતી, ચોખા, બીજ, પાંદડા તથા પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવાનો રહેશે. રંગોળીનું મૂલ્યાંકન સર્જનાત્મકતા, ડિઝાઇન, સ્વચ્છતા અને થીમની રજૂઆતના આધારે કરવામાં આવશે. આ સ્પર્ધામાં પ્રોફેશનલ આર્ટિસ્ટ તેમજ અન્ય ઇચ્છુક વ્યક્તિઓ પણ ભાગ લઈ શકશે.
વ્યક્તિગત રંગોળી સ્પર્ધા માટે કૃતિની સાઈઝ ૧.૫ ફૂટ × ૧.૫ ફૂટ રાખવામાં આવી છે. વ્યક્તિગત વિભાગમાં પ્રથમ ક્રમે રૂ. ૫,૦૦૦, દ્વિતીય ક્રમે બે વિજેતાઓને રૂ. ૩,૦૦૦ અને તૃતીય ક્રમે ત્રણ વિજેતાઓને રૂ. ૨,૫૦૦નું ઇનામ આપવામાં આવશે.
જ્યારે ગૃપ રંગોળી સ્પર્ધા માટે કૃતિની સાઈઝ ૪ ફૂટ × ૪ ફૂટ રાખવામાં આવી છે. ગૃપ વિભાગમાં પ્રથમ ક્રમે રૂ. ૧૫,૦૦૦, દ્વિતીય ક્રમે રૂ. ૧૦,૦૦૦ અને તૃતીય ક્રમે રૂ. ૭,૫૦૦નું ઇનામ આપવામાં આવશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુકોએ નીચેની Google Form લિંક મારફતે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે:
https://forms.gle/HXMp86UFKyX6igSn7
વધુમાં, સ્પર્ધામાં નાગરિકોની વધુમાં વધુ ભાગીદારી થાય તે માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપી દ્વારા અપીલ કરવામાં આવી છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
