દિવાળીના પર્વે દાદાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગડત સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરી કોમી એકતાનો સંદેશ અપાયો
Contact News Publisher

રીઝવાનભાઈ મિર્ઝા સહિત હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને સેવાકાર્ય કરી માનવતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
(પ્રતિનિધિ દ્વારા, વાલોડ) : તા. ૦૮. પ્રકાશના પર્વ દિવાળીના પવિત્ર અવસરે દાદાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાલોડ તાલુકાના ગડત ગામે આવેલી સરકારી હોસ્પિટલ ખાતે સેવાકીય પ્રવૃત્તિનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ટ્રસ્ટના રીઝવાનભાઈ મિર્ઝા સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના ભાઈઓએ સાથે મળીને હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને જરૂરિયાતમંદોને ફ્રૂટનું વિતરણ કર્યું હતું. તહેવારના આનંદની સાથે બીજાના જીવનમાં ખુશી અને આશાનું કિરણ ફેલાવવાના હેતુથી કરવામાં આવેલી આ સેવાકીય પ્રવૃત્તિએ માનવતાની સુંદર સુવાસ પ્રસરાવી હતી.
આ કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ ધર્મના ભેદભાવથી ઉપર ઊઠીને એકસાથે સેવાકાર્યમાં ભાગ લીધો હતો. દિવાળીના પાવન અવસરે એકબીજાને સહયોગ અને પ્રેમભાવનો સંદેશ આપીને સમાજમાં કોમી એકતા, ભાઈચારો અને સામાજિક સદભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
દિવાળી જેવા પવિત્ર તહેવારની ઉજવણી માત્ર પોતાના પરિવાર પૂરતી મર્યાદિત ન રાખીને જરૂરિયાતમંદો સાથે ખુશીઓ વહેંચવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય રહ્યો હતો.
દાદાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટની આ પહેલે સાબિત કર્યું કે માનવતાનો ધર્મ સૌથી મોટો છે અને સેવા તથા પ્રેમના સંબંધો કોઈ ધર્મ કે જાતિના બંધનમાં બંધાયેલા નથી.
આ સેવાકાર્ય થકી ‘ધર્મ અલગ હોઈ શકે, પરંતુ માનવતા એક છે’ એવો સુંદર સંદેશ સમાજમાં પ્રસર્યો હતો.
○○○
