ડોસવાડા ગામે જળાશયોની ઉત્પાદકતા વધારવા વૈજ્ઞાનિક મત્સ્યપાલન અંગે એક દિવસીય કાર્યશાળાનું આયોજન

0
ડોસવાડા ગામે જળાશયોની ઉત્પાદકતા વધારવા વૈજ્ઞાનિક મત્સ્યપાલન અંગે એક દિવસીય કાર્યશાળાનું આયોજન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૮. સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઇ- કેન્દ્ર દ્વારા ડોસવાડા ગામે કેજ કલ્ચર (પાંજરા પદ્ધતિથી મત્સ્યપાલન) તથા જળકૃષિ દ્વારા જળાશયોની ઉત્પાદકતામાં વૃદ્ધિ વિષય પર એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે નવસારી મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલયના આચાર્યશ્રી ડૉ. હરેશકુમાર સોલંકી, મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી ભારતીબેન પટેલ, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, ઉકાઇ, ડૉ. હિતેન્દ્રસિંહ પરમાર, નવસારી મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલયના વૈજ્ઞાનિકો, ગામના માજી સરપંચ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ જળાશયોમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી મત્સ્યઉછેર કરીને માછલીના ઉત્પાદનમાં વધારો કેવી રીતે કરી શકાય તે અંગે ગ્રામજનો, માછીમારો અને સ્થાનિક ખેડૂતોને માર્ગદર્શન આપવાનો હતો.

 

આ પ્રસંગે નિષ્ણાતો દ્વારા જળાશયોમાં પાંજરા પદ્ધતિથી મત્સ્યપાલન, મત્સ્યબીજનું યોગ્ય સંચાલન, વૈજ્ઞાનિક મત્સ્યઉછેર અને જળાશયોની ઉપલબ્ધ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

 

કાર્યક્રમ અંતર્ગત જળાશયમાં મત્સ્યબીજનું પણ મૂકવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ જળાશયોમાં મત્સ્યઉત્પાદન વધારવાની સાથે સ્થાનિક માછીમાર સમુદાય માટે રોજગારી અને આવકની નવી તકો ઊભી કરવાનો છે.

 

આ પ્રકારની વૈજ્ઞાનિક પહેલ દ્વારા જળાશય આધારિત મત્સ્યપાલન ક્ષેત્રે મત્સ્યક્રાંતિ અને આર્થિક સમૃદ્ધિ લાવી શકાય તથા સ્થાનિક સમુદાયને આત્મનિર્ભર બનાવી શકાય તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

કામધેનુ યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર દ્વારા જળાશયોના ટકાઉ વિકાસ અને માછીમાર સમુદાયના આર્થિક ઉત્થાન માટે આવી વિસ્તરણલક્ષી પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવી રહી છે.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other