કે.વિ.કે. વ્યારા દ્વારા રાષ્ટ્રિય પોષણ માસની ઉજવણી અંતર્ગત પીપલવાડા ગામે શ્રીઅન્ન (મિલેટ) વાનગી સ્પર્ધા અને મહિલા શિબિર યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૩. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ(ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે કાર્યરત છે. સદર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા.૨૩/૦૯/૨૦૨૬ના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માનનીય કુલપતિશ્રી ડૉ.આર.એમ.નાયકની પ્રેરણા અને માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્મા અને ડૉ. સી.ડી પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૬ની ઉજવણી અંતર્ગત ડોલવણ તાલુકાના પીપલવાડા ગામે શ્રીઅન્ન (પોષક અનાજ/મિલેટ) વાનગી સ્પર્ધા અને મહિલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા શિબિરનો મુખ્ય વિષય ‘હલકાં ધાન્ય/શ્રીઅન્નના પોષણ અને આરોગ્યની દ્રષ્ટિએ ફાયદા’ હતો. જેમાં પીપલવાડા ગામની કુલ ૪૧ આદિવાસી મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. શ્રીઅન્ન વાનગી સ્પર્ધામાં કુલ ૧૫ આદિવાસી મહિલાઓએ ભાગ લઇ વિવિધ શ્રીઅન્ન/મિલેટનો ઉપયોગ કરી પૌષ્ટિક વાનગીઓ બનાવી પ્રદર્શિત કરી હતી. જેમાં આદિવાસી મહિલાઓ દ્વારા જુવાર, નાગલી, બાજરી, કોદરી, ભગર અને સાથે વિવિધ પ્રકારની ભાજી, સીંગદાણા, તલ, મશરૂમ, વાંસ, લીલી શાકભાજી, કઠોળનો ઉપયોગ કરી ટ્રેડિશનલ ડીશ, સુખડી, ટીકી, કાંજી, પાતરા, મુઠિયા, ભજીયા, વિવિધ મિલેટના રોટલા, કઠોળ, ભાજીનું શાક, મશરૂમનું શાક, વાંસનું શાક, દેશી ચટણી વગેરે પૌષ્ટિક વાનગી બનાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો.આરતી એન. સોનીએ પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ભાગ લીધેલ સર્વે આદિવાસી મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતા અને સાથે રાષ્ટ્રીય પોષણ માસનું મહત્વ સમજાવી મિલેટમાં રહેલ વિવિધ પોષકતત્વો વિશે માર્ગદર્શન આપી તેના પોષણ અને આરોગ્યની દ્રષ્ટિએ ફાયદા જણાવી કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને રોજિંદા આહારમાં વધુમાં વધુ મિલેટનો ઉપયોગ કરી પોતાના કુટુંબના દરેક સભ્યોની તંદુરસ્તી માટે મહત્વનું યોગદાન આપવા જણાવેલ હતું.
શ્રીઅન્ન/મિલેટ વાનગી સ્પર્ધામાં વિજેતા મહિલાઓને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ઇનામ અને પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ભાગ લીધેલ સર્વે આદિવાસી મહિલાઓને સરગવાના છોડ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જીવન વહળ ટ્રસ્ટ, બરડીપાડાના સોશિયલ વર્કર સિસ્ટર મંજુલા લોતડાએ ઉપસ્થિત રહી સર્વે મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનાં અંતે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના બાગાયત વિભાગના વૈજ્ઞાનિક ડૉ.પરમેશ્વરી કે. ચૌધરીએ આભારવિધિ કરી હતી. સદર કાર્યક્રમને સફળ બનાવવા માટે કેવિકેના રીસોર્સ પર્સન શ્રીમતિ રસીલાબેન કોંકણી, ઇન્દુબેન ચૌધરી અને મધુબેન કોંકણીએ ભારે જહેમત ઉઠાવી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
