રાત્રિના અંધકારમાં 108 બની આશાનું કિરણ: કિમના રસ્તા પર એમ્બ્યુલન્સમાં ગુંજી બાળકીની કિલકારી

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૦૫. કિમના ગણેશ નગર વિસ્તારમાં રહેતી ધુલિયા દેવીને રાત્રિના સમયે પ્રસૂતિની પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રાત્રે 2:45 કલાકે કેસ ફાળવવામાં આવ્યો હતો. કેસની જાણ થતાં EMT સાહિલભાઈ જગદીશભાઈ ચૌધરી અને પાયલોટ આતિશભાઈ જોષી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહિલાને સારવાર માટે CHC સાયણ ખાતે લઈ જવા રવાના થયા હતા.
મહિલા દ્વિતીય ગર્ભાવસ્થા ધરાવતી હતી. કિમથી CHC સાયણ તરફ લઈ જતી વખતે રસ્તામાં જ પ્રસૂતિની પીડા વધી જતાં EMT સાહિલભાઈ ચૌધરી દ્વારા પરિસ્થિતિને અનુરૂપ જરૂરી તાત્કાલિક સારવાર આપવામાં આવી અને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ પ્રક્રિયા હાથ ધરવામાં આવી.
રાત્રે 3:16 કલાકે 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી, જેમાં મહિલાએ સ્વસ્થ બાળકીનો જન્મ આપ્યો હતો. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ERCP ડૉ. કૌશલ સાહેબના માર્ગદર્શન હેઠળ જરૂરી તબીબી માર્ગદર્શન અને સારવાર આપવામાં આવી હતી.
પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકી બંનેની સ્થિતિ સ્થિર જણાતાં બંનેને વધુ તપાસ અને જરૂરી સારવાર માટે CHC સાયણ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ કામગીરી બદલ EME હિતેશ સાહેબ તથા PM અભિષેક ઠક્કર દ્વારા 108 ટીમની તાત્કાલિક અને જવાબદારીપૂર્ણ કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. દર્દીના પરિવારજનોએ પણ કપરા સમયે સમયસર સહાય અને પ્રસૂતિ દરમિયાન આપવામાં આવેલી સેવાઓ બદલ 108 એમ્બ્યુલન્સ સેવા તથા સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા તાત્કાલિક પરિસ્થિતિમાં સમયસર પહોંચીને જરૂરી સારવાર અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતા માતા અને નવજાત બાળકી બંનેને સુરક્ષિત રીતે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_____________
