યુવતીનો પીછો કરી લગ્ન માટે દબાણ કરનાર યુવકને કાયદાકીય સમજ આપતી 181 અભયમ ટીમ, ઉમરા – સુરત
181
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : સુરત જિલ્લાના ઉમરા વિસ્તાર હેઠળ 181 અભયમ મહિલા હેલ્પલાઈન પર એક યુવતીએ સંપર્ક કરી જાણ કરી હતી કે તેમની સાથે અભ્યાસ કરતા એક યુવક દ્વારા છેલ્લા કેટલાક સમયથી સતત હેરાનગતિ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ પીડિતા પાંડેસરા વિસ્તારમાં રહે છે અને ITIમાં અભ્યાસ કરે છે. પીડિતાની ઉંમર 21 વર્ષ છે જ્યારે સંબંધિત યુવક સગીર વયનો હોવાનું જાણવા મળ્યું હતું.
પીડિતાએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું હતું કે યુવક સતત તેમનો પીછો કરી તેમની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. પીડિતા કોલેજથી ઘરે આવતી-જતી હોય અથવા અન્ય કોઈ સામાજિક પ્રસંગે બહાર જતી હોય ત્યારે યુવક તેમનો પીછો કરી રસ્તામાં રોકી વાતચીત કરવાનો પ્રયાસ કરતો હતો તેમજ લગ્ન માટે આગ્રહ રાખતો હતો. પીડિતાએ યુવકને અનેક વખત સ્પષ્ટપણે ના પાડી હોવા છતાં યુવક પોતાની હરકતો બંધ કરતો ન હતો, જેના કારણે પીડિતા માનસિક રીતે વ્યથિત થઈ ગયા હતા.
આજ રોજ પીડિતા પોતાના મિત્રના લગ્ન પ્રસંગે જવા માટે નીકળ્યા હતા ત્યારે ફરી યુવક તેમનો પીછો કરવા લાગ્યો હતો. યુવકની સતત હરકતોથી ગભરાઈ પીડિતાએ તાત્કાલિક 181 અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરી મદદ માંગી હતી. માહિતી મળતા જ 181 અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર પરિસ્થિતિની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરી હતી.
ટીમ દ્વારા સંબંધિત યુવકને બોલાવી શાંતિપૂર્ણ વાતાવરણમાં કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન યુવકને કાયદાકીય રીતે અવગત કરવામાં આવ્યો હતો કે કોઈપણ મહિલાની ઈચ્છા વિરુદ્ધ સતત પીછો કરવો, રસ્તામાં રોકવું, લગ્ન માટે દબાણ કરવું અથવા માનસિક હેરાનગતિ પહોંચાડવી ભારતીય કાયદા મુજબ દંડનીય ગુનો ગણાય છે.
કાઉન્સેલિંગ દરમિયાન યુવકની માનસિક પરિપક્વતા ઓછી હોવાનું જણાતા ટીમ દ્વારા તેને વધુ સમજદારીપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સતત સમજાવટ બાદ યુવકે પોતાની ભૂલ સ્વીકારી હતી તેમજ ભવિષ્યમાં પીડિતાનો પીછો નહીં કરે, કોઈપણ પ્રકારનું દબાણ નહીં કરે અને પીડિતાને હેરાન નહીં કરે તેવી લેખિત બાહેધરી આપી હતી. વધુમાં યુવકે પીડિતાની માફી માગતા બંને પક્ષ વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું.
અંતે 181 અભયમ ટીમ દ્વારા બંને પક્ષને જરૂરી માર્ગદર્શન અને સલાહ-સૂચનો આપી ભવિષ્યમાં કાયદાકીય મર્યાદાનું પાલન કરી શાંતિપૂર્ણ વર્તન રાખવા સમજ આપવામાં આવી હતી.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
