તાપીમાં શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન અને ફાયર સેફ્ટી તાલીમ યોજાઈ

0
તાપીમાં શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન અને ફાયર સેફ્ટી તાલીમ યોજાઈ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 19 – તાપી જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા ગત અઠવાડિયે ‘શાળા સલામતી કાર્યક્રમ’ અંતર્ગત વિવિધ શાળાઓમાં આપત્તિ જાગૃતિ અને સુરક્ષા અંગે વિશેષ તાલીમ કાર્યક્રમો યોજાયા હતા.

 

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં આપત્તિ સમયે સ્વ-બચાવ અને સલામતી અંગે જાગૃતિ કેળવવાનો હતો.

 

જેમાં ઉચ્છલ તાલુકામાં મોહિની શાળા ખાતે સોનગઢ ફાયર ટીમ દ્વારા ફાયર સેફ્ટી અને આગ સામે રક્ષણ મેળવવાની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી, જેમાં ૨૦૫ જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. વાલોડ તાલુકામાં વિનય મંદિર ભારતી વિદ્યાલય, કમલકુઈ ખાતે વ્યારા ફાયર ટીમ દ્વારા વિદ્યાર્થીઓને આગ લાગવાના પ્રસંગે કટોકટીના પગલાં અને ફાયર સેફ્ટી અંગે પ્રાયોગિક માહિતી પૂરી પાડવામાં આવી હતી.

 

સાથોસાથ વ્યારામાં માનવ જાગૃતિ વિદ્યાલય, બાલપુર ખાતે ૧૦૮ ઇમરજન્સી ટીમ દ્વારા પ્રાથમિક સારવાર તેમજ ફાયર સુરક્ષા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રાથમિક શાળા બેડકુવા નજીક, પ્રાથમિક શાળા સાતકાશી અને પ્રાથમિક શાળા અમલપાડા ખાતે મૂળભૂત આપત્તિ જાગૃતિ, શાળા સલામતી અને ‘સ્કૂલ ડિઝાસ્ટર પ્લાન’ અંગે વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવ્યા હતા.

 

નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને સબંધિત ફાયર બ્રિગેડ/૧૦૮ ની ટીમો દ્વારા આપત્તિ સમયે શાંતિ જાળવીને કેવી રીતે સુરક્ષિત બહાર નીકળવું અને અન્ય લોકોને મદદ કરવી તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

 

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સી.ઈ.ઓ. ડૉ. ધવલ પટેલની સૂચના મુજબ સમગ્ર રાજ્યમાં તા. ૧ ઓક્ટોબરથી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી ખાસ શાળા સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.

●●●

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *