ડાંગમાં કૉંગ્રેસની ‘જનઆક્રોશ સભા’ : પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતની ઘર વાપસીથી કૉંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો, ભાજપામાં મોટું ભંગાણ

0
IMG-20251017-WA0002
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  ડાંગ જિલ્લાનાં આહવા ખાતે આજે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અને ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા જનઆક્રોશ સભાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં મોટી સંખ્યામાં લોકો અને કૉંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. આ સભામાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને ડાંગ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરે, માજી સાંસદ કિશનભાઈ પટેલ, માજી ધારાસભ્ય સુનિલભાઈ ગામીત, પુનાજી ગામીત સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભાનો સૌથી મોટો આકર્ષણ અને કૉંગ્રેસ માટેનો ઉત્સાહવર્ધક બનાવ ડાંગ જિલ્લાના માજી ધારાસભ્ય અને દિગ્ગજ આદિવાસી નેતા મંગળભાઈ ગાવીતની ઘર વાપસી રહ્યો હતો. મંગળભાઈ ગાવીત, જિલ્લા સદસ્ય લાલભાઈ ગાવીત, તાલુકા સદસ્ય દીપકભાઈ પીંપળે, બાલુભાઈ વળવી, વસંતભાઈ તુમડા, રામજભાઈ ધૂમ સહિત ભાજપાના અન્ય કાર્યકરો અને તેમના હજારો સમર્થકોએ ભાજપાનો ભગવો છોડીને ફરી કૉંગ્રેસનો પંજો પકડ્યો હતો. અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ આ નેતાઓને કૉંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતુ. આ ઘર વાપસીથી ડાંગ જિલ્લા ભાજપા સંગઠનમાં મોટું ગાબડું પડ્યું છે. અને કૉંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો છે. જનઆક્રોશ સભામાં કૉંગ્રેસના નેતાઓએ ભાજપા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કૉંગ્રેસમાં પરત ફર્યા બાદ મંગળભાઈ ગાવીતે ડાંગના ધારાસભ્ય વિજય પટેલનાં નાના ભાઈ પર ભ્રષ્ટાચારનાં ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામોમાં સરપંચો પાસેથી 8 ટકા જેટલી મોટી ટકાવારી લેવાતી હોવાની પોલ ખોલી હતી. તેમણે ભાજપમાં જવા બદલ ઉપસ્થિત સૌ કોઈની હાથ જોડીને માફી પણ માંગી હતી. વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલે ભાજપાને આદિવાસી વિરોધી સરકાર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપા માત્ર વોટ લેવાનાં કાવતરાં કરી રહી છે અને ડાંગ જિલ્લામાં માત્ર સાંસદ અને ધારાસભ્યનો જ વિકાસ થયો છે, લોકોનો નહીં. તેમણે ડાંગમાંથી “નારંગી ગેંગ”ને ઉખેડી ફેંકવાનું આહવાન કર્યું હતું અને સત્તાધારી લોકોને ભગાડવા માટે ગિલોલ અને તીરકામઠા લઈ આગળ આવવા અનુરોધ કર્યો હતો. ડાંગ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરેએ આરોપ લગાવ્યો હતો કે ભાજપાએ દેશની કફોડી હાલત કરી છે અને આદિવાસીઓની ઉપેક્ષા કરી તેમની સાથે ઓરમાયું વર્તન રાખે છે. તેમણે ભાજપના રાજમાં અધિકારીઓ દ્વારા દરેક વિભાગમાંથી હપ્તા ઉઘરાવવાનો અને ડાંગ ભાજપના નેતાઓની ટકાવારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ભાજપા પર જિલ્લા પંચાયતની ઓબીસીની સીટની ચોરી કરવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપા સરકારને ગરીબ વિરોધી અને આદિવાસી વિરોધી ગણાવી હતી, જેમાં માત્ર નેતાઓનો વિકાસ થતો હોવાનું જણાવ્યું હતું. વિપક્ષ નેતા તુષાર ચૌધરી અને અમિત ચાવડાએ લોકોને વોટચોરી અંગે જાગૃત બનવા માટે આહવાન કર્યું હતું અને આગામી તાલુકા, જિલ્લા અને વિધાનસભાની ચૂંટણીઓ જીતવાનો હાંકલ કર્યો હતો. સમગ્ર સભા દરમિયાન, નેતાઓએ આરોગ્ય, શિક્ષણ સહિત અનેક સુવિધાઓની દુવિધા માટે ભાજપાને જવાબદાર ઠેરવી આકરા પ્રહારો કર્યા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other