“મહિલા જાતીય સતામણી નિવારણ અધિનિયમ” અંતર્ગત વિશેષ સેમિનારનું આયોજન કે.વિ.કે. વ્યારા ખાતે કરાયું

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 30. :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન અને મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચના એસ. પટેલના અધ્યક્ષસ્થાને વ્યારા તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને લક્ષિત કરીને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે “કામકાજના સ્થળે મહિલાઓને જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-૨૦૧૩” અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચના એસ. પટેલ દ્વારા કાયદાને અનુરૂપ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. સાથે જ તેમણે મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના તેમજ સખી વન સ્ટોપ સેન્ટર, પી.બી.એસ.સી. (PBSC) સેન્ટર અને ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
જ્યારે ફિલ્ડ ઓફિસરશ્રી વિપુલ એ. મકવાણા દ્વારા કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત ઉપસ્થિતોને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને ‘SHE Box’ પોર્ટલ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમણે કામકાજનું સ્થળ એટલે શું?, જાતીય સતામણીના વિવિધ પ્રકારો, તેની અટકાયત, પ્રતિબંધ અને નિવારણ તેમજ આંતરિક સમિતિ (ICC) અને લોકલ કમિટીની કામગીરી વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી.
કાર્યક્રમના અંતે કાયદાકીય જાગૃતિ લાવતી ‘પ્રતિકાર’ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું અને આઈ.ઈ.સી. (IEC) પેમ્પલેટ તેમજ કીટનું વિતરણ કરીને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કરાયો હતો.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
