વિદ્યાર્થીઓને GPSC-UPSC થી લઈને પોલીસ-ફોરેસ્ટ સુધીની પરીક્ષાઓનો મળશે સચોટ રોડમેપ

તાપી જિલ્લા પંચાયત અને વ્યારા કોલેજના ઉપક્રમે વ્યારામાં ૨૩ જુલાઈએ નિ:શુલ્ક મેગા સેમિનાર યોજાશે
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૯. :- તાપી જિલ્લાના યુવાનોને ઘરઆંગણે જ કારકિર્દીનું શ્રેષ્ઠ માર્ગદર્શન મળી રહે તે માટે તાપી જિલ્લા પંચાયત અને શ્રીમતિ આર.પી.ચૌહાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે સંપૂર્ણ નિઃશુલ્ક મેગા સેમિનાર યોજાશે.
આર્ટ્સ અને કોમર્સ કોલેજના ઓડિટોરિયમ હોલ, વ્યારા ખાતે તા.૨૩/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી યોજાનારા આ શૈક્ષણિક માર્ગદર્શન શિબિરમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના નિષ્ણાંત, રાજકોટની થીમ દ્વારા ખૂબ જ સરળ શૈલીમાં સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.
આ સેમિનારમાં GPSC, UPSC, બેંકિંગ, પોલીસ, રેલવે તેમજ ફોરેસ્ટ સહિતની તમામ નાની-મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓના અભ્યાસક્રમ, સચોટ રણનીતિ અને પરીક્ષા પાસ કરવાની અકસીર ચાવીઓ નિષ્ણાતો દ્વારા ટૂ ધ પોઈન્ટ સમજાવવામાં આવશે.
સરકારી સેવામાં જોડાઈને વહીવટી તંત્રનો હિસ્સો બનવા માંગતા તાપી જિલ્લાના તમામ ઇચ્છુક અને મહેનતુ વિદ્યાર્થીઓને ઓડિટોરિયમ હોલની મર્યાદિત બેઠક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સમયસર પોતાનું પૂર્વ રજીસ્ટ્રેશન કરાવી લેવા અને આ જ્ઞાનસભર સત્રમાં અચૂક ભાગ લેવા માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા અખબારી યાદીના માધ્યમથી અનુરોધ કર્યો છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
