આયુષ્માન ભારત યોજના થકી લાખો-કરોડો જરૂરિયાતમંદ પરિવારોને આરોગ્યલક્ષી સમસ્યાઓથી સુરક્ષા મળી : નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

પ્રાથમિક આરોગ્ય તપાસ અને સમયસર નિદાનથી આરોગ્યલક્ષી સમસ્યાઓનું આયોજનબદ્ધ સારવાર શક્ય : રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીત
—
મહા આરોગ્ય મહોત્સવમાં આશરે ૪,૦૦૦ નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો
—
નિઝર-કુકરમુંડાના નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે ફુલવાડી ખાતે ‘મહા આરોગ્ય મહોત્સવ’ યોજાયો
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૪ :- રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ફુલવાડી આઈ.ટી.આઈ.ના ગ્રાઉન્ડ ખાતે ડી.આર.વી.એ. ચેરીટેબલ ટ્રસ્ટ અને તાપી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ‘મહા આરોગ્ય મહોત્સવ’ને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આયુષ્માન ભારત યોજના દ્વારા લાખો-કરોડો જરૂરિયાતમંદ પરિવારોને આરોગ્યલક્ષી સમસ્યાઓથી સુરક્ષિત અને નિશ્ચિંત કર્યા છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ ઉમેર્યું કે, છેવાડાના એક પણ માનવી આરોગ્યલક્ષી સહિતની કોઈપણ યોજના કે સેવાથી વંચિત ન રહે તે સરકારનો ધ્યેય છે. રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચે અને જરૂરિયાતમંદ નાગરિકોને સમયસર સારવાર મળી રહે તે દિશામાં સરકાર સતત કાર્યરત છે.
આ તકે રાજ્યકક્ષાના રમત અને પ્રવાસન મંત્રી ડો. જયરામભાઈ ગામીતે ફુલવાડી આઈ.ટી.આઈ.ના ગ્રાઉન્ડ ખાતેથી સંબોધતા જણાવ્યું કે, કોરોના મહામારીના સમયથી આજદિન સુધી આરોગ્ય વિભાગની કામગીરી ખૂબ પ્રશંસનીય રહી છે. મહા આરોગ્ય મહોત્સવનો આશય પણ નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને કેન્દ્રમાં રાખવાનો છે.
રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીતે ઉમેર્યું કે, પ્રાથમિક આરોગ્ય તપાસ ખરેખર ખૂબ જરૂરી છે. આરોગ્યલક્ષી સમસ્યાઓનું સમયસર નિદાન થાય તો આયોજનબદ્ધ સારવાર દ્વારા પોતાને સુરક્ષિત કરી શકાય છે. વધુમાં, દિવ્યાંગ લાભાર્થીઓને પણ કહેવા માંગીશ કે, સરકારે હંમેશા જરૂરિયાતમંદ નાગરિકોના પડખે રહી છે. સરકારનો આશય એકમાત્ર એ છે કે, જરૂરિયાતમંદ લાભાર્થીઓ સરળ અને સુરક્ષિત જીવન જીવે.
‘મહા આરોગ્ય મહોત્સવ’માં આશરે ૪,૦૦૦ ણી આસપાસ દર્દીઓ અને લાભાર્થી નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. વિવિધ આરોગ્ય વિભાગોના ૧૫ જેટલા નિષ્ણાત તબીબો દ્વારા નાગરિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી તથા જરૂરી તબીબી સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ રોગો અને આરોગ્યલક્ષી સમસ્યાઓ અંગે નિષ્ણાત તબીબો દ્વારા માર્ગદર્શન સાથે જરૂરિયાત મુજબ આગળની સારવાર માટે રેફરલ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત, રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીતે રિબિન કાપીને ‘મહા આરોગ્ય મહોત્સવ’ને ખુલ્લો મૂક્યો હતો. આ દરમિયાન જરૂરિયાતમંદ લાભાર્થીઓને પોષણ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ અવયવોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૨૮ લીંબ્સ, ૬૦૦ પોષણ કિટ, ૨૦૦ વોકર્સ, ૨૦૦ વોકિંગ સ્ટીક્સ, ૧૨૦ વ્હીલ ચેર, ૨૧૦૯ ચશ્માનું વિતરણ કરાયું હતું.
‘સેવા સંકલ્પ અભિયાન તથા સેવા મારું યોગદાન’ના સેવાભાવને સાકાર કરતી આ પહેલ અંતર્ગત અંતરિયાળ વિસ્તારના નાગરિકોને તેમના નજીકના સ્થળે નિષ્ણાત તબીબી સેવાઓ, આરોગ્ય તપાસ, માર્ગદર્શન અને જરૂરી સહાય ઉપલબ્ધ થાય તે હેતુથી યોજાયેલો આ ‘મહા આરોગ્ય મહોત્સવ’ નાગરિકો માટે આરોગ્યલક્ષી સેવાઓનો મહત્વપૂર્ણ અવસર બની રહ્યો હતો.
આ કાર્યક્રમમાં અગ્રણી સર્વશ્રી ડો. જગદીશભાઈ પટેલ અને શ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા-તાલુકાના હોદ્દેદારો-જનપ્રતિનિધિશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ડી.આર.વી.એ. ચેરીટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિશ્રીઓ, આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
