ગાંધીનગર ખાતે શિક્ષકોનાં પડતર પ્રશ્નો સંદર્ભે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની શિક્ષણમંત્રી સાથે બેઠક યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૨૪. ગતરોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની પડતર પ્રશ્નોનાં નિરાકરણ સંદર્ભે શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, અગ્રસચિવ મિલિંદ તોરવણે, નિયામક પી. કે. ત્રિવેદી સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ તથા મહામંત્રી બિપીન પટેલનાં જણાવ્યા અનુસાર સદર બેઠકમાં શિક્ષક હિતને લગતાં નીચે મુજબનાં પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
૧. બદલી પામેલ શિક્ષકોને તાત્કાલિક ૧૦૦ ટકા છૂટા કરવા બાબતે.
૨. બદલીનાં નિયમોમાં સુધારા અંગે નિયામક સાથે પરામર્શ કરી સુધારા સૂચવવા બાબતે.
૩. આચાર્યનો ચાર્જ જે વર્ષોથી સંમતિથી આપવામાં આવતો હતો તે યથાવત ચાલુ રાખવા બાબતે.
૪. HTAT નાં બદલી કેમ્પ યોજવા બાબતે.
૫. ગ્રાન્ટેડમાંથી આવેલ HTAT ને સળંગ નોકરીનો લાભ આપવા બાબતે.
૬. મૃતકનાં વારસદારની સમયમર્યાદાનાં કારણે રિજેક્ટ થયેલ ફાઇલો મંજૂર કરવા બાબતે.
૭. CCC સર્ટિફિકેટ અંગે ફાઇલ વિભાગમાંથી મુખ્યમંત્રી કક્ષાએ મોકલવામાં આવી છે, જેનો વહેલી તકે નિર્ણય થવા બાબતે.
૮. સેમી પ્રમોશન અને બદલી કેમ્પ પહેલા સિનિયરને HTAT પ્રમોશન આપવા બાબતે.
૯. નવરચિત જિલ્લાઓમાં GPF ખાતા તાત્કાલિક ટ્રાન્સફર કરવા બાબતે.
૧૦. તાલુકા અને જિલ્લા
શિક્ષણ શાખાઓમાં અલગથી સ્ટાફ ફાળવવા બાબતે.
૧૧. શિક્ષણની તાલુકા, જિલ્લા અને રાજ્યની નાયબ નિયામકની જગ્યાઓ શિક્ષણનાં અધિકારીઓથી ભરવા બાબતે.
૧૨. ફિક્સ પગારનાં વર્ષો ઘટાડવા બાબતે.
૧૩. AEI કેળવણી નિરીક્ષકની સીધી ભરતીમાં પગાર રક્ષણ સાથે ભરતી કરવા બાબતે.
૧૪. શિક્ષક કલ્યાણનિધિની રૂપિયા એક લાખની સહાય ઝડપથી ચૂકવવા બાબતે.
૧૫. ૨૦૦૫ પછીનાં શિક્ષકોને રાજસ્થાન, પંજાબની જેમ જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબતે.
૧૬. વડોદરા સહિત ૨૦૦૪ ની કોર્ટ મેટરને કારણે ૨૦૦૫ માં ભરતી થયેલ શિક્ષકોને ઝડપથી OPS આપવા બાબતે.
૧૭. કર્મયોગી પોર્ટલ મારફત શિક્ષકોનાં પગાર બાબતે.
આ ઉપરાંત અન્ય પડતર પ્રશ્નોની પણ સંબંધિત વિભાગનાં અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ તકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ તમામ જિલ્લાઓમાં મોબાઈલ સંદેશ પાઠવ્યો હતો કે આવનાર દિવસોમાં તમામ પડતર પ્રશ્નોનાં નિરાકરણ માટે રાજ્ય સંઘની ટીમ સતત કાર્યરત રહેશે. બેઠકનાં અંતે સરકાર દ્વારા શિક્ષકોનાં તમામ પ્રશ્નો વહેલી તકે ઉકેલવા માટે સકારાત્મક વલણ દાખવવામાં આવ્યું હતું. એમ જિલ્લા પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
