કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા રાષ્ટ્રિય પોષણ માસની ઉજવણી અંતર્ગત માંડળ ગામે ઇન-સર્વિસ તાલીમ યોજાઇ

0
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા રાષ્ટ્રિય પોષણ માસની ઉજવણી અંતર્ગત માંડળ ગામે ઇન-સર્વિસ તાલીમ યોજાઇ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૪. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ(ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે કાર્યરત છે. સદર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તાજેતરમાં જ તા.૨૨/૦૯/૨૦૨૬ના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માનનીય કુલપતિશ્રી ડૉ.આર.એમ.નાયકની પ્રેરણા અને માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્મા અને ડૉ. સી.ડી પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૬ની ઉજવણી અંતર્ગત સોનગઢ તાલુકાના માંડળ ગામે “હલકાં ધાન્ય(શ્રીઅન્ન/મિલેટ)ના પોષણ અને આરોગ્યની દ્રષ્ટિએ ફાયદા અને તેમાંથી બનતી મૂલ્યવર્ધિત બનાવટો” વિષય ઉપર ઇન-સર્વિસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાંગાતી મહિલા ટ્રસ્ટ, માંડળની સોનગઢ તાલુકાના વિવિધ ગામમાં કાર્ય કરતી ફિલ્ડ વર્કર અને આગેવાન મહિલાઓ મળી કુલ ૩૬ તાલીમાર્થીઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.

        સદર કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો.આરતી એન. સોનીએ રાષ્ટ્રીય પોષણ માસનું મહત્વ સમજાવી વિવિધ હલકાં ધાન્ય/મિલેટમાં રહેલ વિવિધ પોષકતત્વો વિશે વિસ્તૃતમાં માર્ગદર્શન આપી તેના પોષણ અને આરોગ્યની દ્રષ્ટિએ ફાયદા જણાવ્યા હતા. ઉપરાંત, તેમણે ઉપસ્થિત સર્વે તાલીમાર્થીઓને હલકાં ધાન્ય/મિલેટમાંથી વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો વિષે પણ માહિતી આપી હતી. વધુમાં, પ્રો.આરતી એન. સોનીએ નાગલી (રાગી)ના લાડુની બનાવટનું પધ્ધતિ નિદર્શન કરી શીખવ્યું હતું. તેમણે દરેક તાલીમાર્થી મહિલાઓને તેઓના કાર્યક્ષેત્રમાં આવતા ગામોના દરેક કુટુંબને શ્રીઅન્નનું મહત્વ સમજાવી રોજિંદા આહારમાં વધુમાં વધુ મિલેટનો ઉપયોગ કરાવવા પર ભાર મુક્યો હતો અને સાથે તેમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી રોજગારલક્ષી પ્રવૃત્તિ શરૂ કરી આવક મેળવવા જણાવેલ હતું.

        તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓનું પ્રશ્નોત્તરી આપી તાલીમ પૂર્વે અને તાલીમ બાદ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તાલીમ લીધા બાદ તાલીમાર્થીઓએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. સદર તાલીમના આયોજન માટે હાંગાતી મહિલા ટ્રસ્ટના પ્રોગ્રામ સંચાલક શ્રીમતિ મિશુલાબેન ગામીત મદદરૂપ થયા હતા. તાલીમના અંતે, હાંગાતી મહિલા ટ્રસ્ટના ફિલ્ડ વર્કર શ્રીમતિ કમળાબેન ગામીતએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કેન્દ્રના ગૃહવૈજ્ઞાનિક પ્રો.આરતીબેન સોનીએ કર્યું હતું.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other