આઈસીડીએસ વ્યારા દ્વારા કિશોરીઓ, સગર્ભા-ધાત્રી માતાઓ અને બાળકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અર્થે વિવિધ પોષણલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ

તાપી જિલ્લામાં પોષણ માહ ૨૦૨૬ની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૩. તાપી જિલ્લામાં સશક્ત સમાજના નિર્માણ અર્થે ‘સુપોષિત કિશોરી, સ્વસ્થ માતા અને તંદુરસ્ત બાળક’ના મંત્ર સાથે જનભાગીદારીથી ઉજવાતો પોષણ માહ
મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત તાપી જિલ્લાના ICDS વ્યારા ઘટક-૧ ખાતે ‘પોષણ માહ-૨૦૨૬’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. કિશોરીઓ, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ તથા નાના બાળકોમાં યોગ્ય પોષણ અંગે જાગૃતિ આવે અને તેઓ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે તે મુખ્ય હેતુથી વિવિધ જાગૃતિસભર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.
ઉજવણીના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રો ખાતે સંતુલિત આહારનું મહત્વ, જરૂરી પોષક તત્વો, એનિમિયા નિવારણ, આયર્ન-ફોલિક એસિડ (IFA) ની ગોળીઓના સેવનનું મહત્વ, વ્યક્તિગત સ્વચ્છતા તથા માસિક ધર્મ દરમિયાન રખાતી સ્વચ્છતા અને પૌષ્ટિક આહાર વિશે બહેનો તથા કિશોરીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
કિશોરીઓમાં સ્વાસ્થ્ય અંગે વિશેષ જાગૃતિ કેળવાય તે માટે પોષણ શપથ, વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, પોસ્ટર-સ્લોગન સ્પર્ધાઓ અને ચર્ચાસભાઓનું આયોજન કરાયું છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે સરળતાથી ઉપલબ્ધ પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનો દૈનિક આહારમાં ઉપયોગ કેવી રીતે કરવો તેની વ્યવહારુ સમજ પણ આપવામાં આવી રહી છે. માત્ર મહિલાઓ કે કિશોરીઓ જ નહીં, પરંતુ સમગ્ર સમુદાય અને માતા-પિતા પણ બાળકોના યોગ્ય પોષણ પ્રત્યે સજાગ બને તે માટે સઘન પ્રયાસો થઈ રહ્યા છે.
“સુપોષિત કિશોરી, સ્વસ્થ માતા અને તંદુરસ્ત બાળક – સશક્ત સમાજનો આધાર”ના પ્રેરણાદાયી સંદેશ સાથે આઈસીડીએસ વ્યારા ઘટક-૧ દ્વારા પોષણ માહને જનભાગીદારીના માધ્યમથી સફળ બનાવવામાં આવી રહ્યો છે. દૈનિક જીવનમાં પૌષ્ટિક આહારની ટેવ કેળવીને કુપોષણ અને એનિમિયા સામે અસરકારક લડાઈ આપી શકાય તે માટે આંગણવાડી કાર્યકરો દ્વારા ક્ષેત્ર સ્તરે સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
