આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા KVK વ્યારા ખાતે ૧૨૫ ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ

તાપી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૩. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં ‘આત્મા પ્રોજેક્ટ’ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ – “નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ” હેઠળ મિશન ક્લસ્ટર (ભડભુંજા) ના ૧૨૫ સ્વયંમ પ્રેરિત ખેડૂતો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ તા. ૨૨/૦૯/૨૦૨૬, મંગળવારના રોજ “કૃષિ વિજ્ઞાન કેન્દ્ર” વ્યારા ખાતે યોજાયો હતો.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યા તથા નિષ્ણાતોની ટીમ દ્વારા ખેડૂતોને હાઇબ્રિડ બિયારણના બદલે સ્થાનિક અને દેશી સુધારેલી જાતોના બીજનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી હતી. આ બિયારણો ઓછા ખર્ચાળ હોવાની સાથે રોગ અને જીવાત સામે વધારે પ્રતિકારક શક્તિ ધરાવે છે.
રસાયણિક ખાતરોના સ્થાને ખેતરમાં બીજ ઉપચાર માટે ‘બીજામૃત’, પાન ઉપર છંટકાવ માટે ‘જીવામૃત’ અને જમીનની ફળદ્રુપતા માટે ‘ઘનજીવામૃત’નો ઉપયોગ કરવા અંગે વિગતવાર સમજ આપવામાં આવી.
દેશી ગાયના ગોબરમાં કરોડો લાભદાયી સૂક્ષ્મજીવાણુઓ રહેલા હોય છે. છાણ અને મૂત્રમાંથી બનતા બાયો-ઇનપુટ્સ સૂક્ષ્મજીવાણુઓ માટે ખૂબ સુરક્ષિત અને અસરકારક છે.
લોકો હવે સ્વાસ્થ્યપ્રદ અને રસાયણ-મુક્ત ખોરાક પ્રત્યે વધુ જાગૃત બન્યા છે. પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલા પાકોનું અલગથી ઉત્પાદન અને મૂલ્યવર્ધન કરીને ખેડૂતો સારા ભાવ મેળવી શકે છે.
તાલીમના અંતિમ ચરણમાં કુદરતી જીવાત નિયંત્રણ માટે અસરકારક એવા ‘નિમાસ્ત્ર’ બનાવવાનું લાઈવ નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ ખેડૂતોને પ્રાકૃતિક મોડેલ ફાર્મની રૂબરૂ મુલાકાત કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે કૃષિ સખી – સી.આર.પી., આત્મા પ્રોજેક્ટ તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
