વિદ્યાર્થીઓ અને બાળકોની સુરક્ષાના પગલે આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં સત્તાવાર રજા જાહેર

ઓવર ટોપિંગ વાળા રસ્તાઓ પર બેરિકેડિંગ અને ૨૪×૭ કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા નિર્દેશ
—
જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.31 – ભારતીય હવામાન વિભાગ દ્વારા તાપી જિલ્લા માટે આપવામાં આવેલી ‘રેડ એલર્ટ’ ની આગાહીને પગલે તાપી જિલ્લા વહીવટી તંત્ર રાઉન્ડ ધ ક્લોક એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજીને તમામ સંબંધિત વિભાગીય અધિકારીઓને વર્તમાન પરિસ્થિતિ અને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.
શુક્રવારે બપોરે 3 કલાક દરમિયાન યોજાયેલી બેઠકમાં કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ તમામ નીચાણવાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું તાત્કાલિક સલામત સ્થળે સ્થળાંતર શરૂ કરી વધૂમાં વધુ ૬ કલાકની અંદર કામગીરી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. સ્થળાંતરિત લોકો માટે સરકારી શાળાઓ તેમજ કોમ્યુનિટી હોલ ખાતે રહેવા તથા જમવાની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા તેમજ પાણી ભરાવાના કારણે કોઈ પણ વ્યક્તિ ફસાઈ ન રહે અને જાનમાલનું નુકસાન ન થાય તે માટે ‘ઝીરો કેઝ્યુઅલ્ટી’ ના અભિગમ સાથે કામગીરી કરવા તાકીદ કરવામાં આવી હતી.
આપદાની પરિસ્થિતિમાં પહોંચી વળવા જેસીબી, ટ્રેક્ટર જેવા જરૂરી સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા, રસ્તાઓ કે પુલ પર ઓવર ટોપિંગ અંગેનું સતત મોનિટરિંગ કરવા, નાગરિકો કોઈ પણ પ્રકારનું જોખમ લઈને પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ ન કરે તેમજ સંબંધિત વિભાગને અસરગ્રસ્ત જગ્યાએ બેરિકેટ તથા સાઈનબોર્ડ લગાવવાની સૂચના આપી હતી.
તમામ મામલતદારશ્રીઓ, ટીડીઓશ્રીઓ અને લાયઝન અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને સંયુક્ત રીતે ત્વરિત આગોતરું આયોજન કરવા અને તાલુકા કક્ષાના તમામ કંટ્રોલ રૂમને ૨૪×૭ કાર્યરત અને એલર્ટ મોડ પર રાખવા આદેશ કરાયો હતો.
કલેક્ટરશ્રી ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓ અને બાળકોની સુરક્ષાના પગલે આવતીકાલે જિલ્લાની તમામ સ્કૂલ, કોલેજ, આંગણવાડી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સત્તાવાર રજા જાહેર કરવામાં આવી છે.
૦૦૦૦૦
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
