પુત્રની હેરાનગતિથી પરેશાન વૃદ્ધ માતાની વહારે આવી 181 અભયમ મહિલા હેલ્પલાઇન

0
181 અભયમ ટીમની અસરકારક કામગીરીથી પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન
Contact News Publisher

181 અભયમની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી સંવેદનશીલ કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન અને અસરકારક સમજાવટ દ્વારા પારિવારિક વિવાદનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૧. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામમાંથી એક વૃદ્ધ મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરીને મદદની માગણી કરી હતી. મહિલાએ જણાવ્યા મુજબ, તેમનો એક પુત્ર કોઈ નિયમિત કામધંધો કરતો ન હોવાથી અવારનવાર તેમની સાથે પૈસાની બાબતે બોલાચાલી અને ઝઘડો કરતો હતો. અગાઉ પુત્રને રોજગાર માટે કામ પર મોકલવામાં આવ્યો હતો, પરંતુ તેણે કામ છોડી દીધું હતું. ત્યારબાદ તે ઘરે રહીને માતા પાસે પૈસાની માગણી કરતો અને પૈસા ન આપતાં તેમને ધમકી આપતો હતો.

 

મહિલાની રજૂઆત મુજબ, પુત્રના વર્તનને કારણે તેમને ઘરમાં રહેવા, જમવાનું બનાવવા તેમજ પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ કરવામાં પણ મુશ્કેલી પડતી હતી. મહિલા વહેલી સવારે ખેતરમાં કામ કરવા જતાં ત્યારે પુત્ર તેમની પાછળ ખેતરે પહોંચી ઝઘડો કરતો હતો. એટલું જ નહીં, ખેતરમાં ઊભા પાકને નુકસાન પહોંચાડવાની ધમકી આપતો તેમજ ખેતરમાં કામ કરતા મજૂરોને પણ કામ છોડાવી દેતો હતો. આ ઉપરાંત, માતા સાથે મારપીટ કરવાની ધમકીઓ આપતો હોવાથી મહિલા માનસિક તણાવ અને પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં હતાં.

 

મહિલાનો કોલ મળતાં જ 181 અભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાની રજૂઆત અને પરિસ્થિતિને સંવેદનશીલતાપૂર્વક સાંભળી હતી. ત્યારબાદ પુત્રનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

 

કાઉન્સેલર દ્વારા પુત્રને સમજાવવામાં આવ્યું હતું કે માતા-પિતાની સાથે સન્માનપૂર્વક વર્તવું, તેમની સલામતી અને સુખાકારીનું ધ્યાન રાખવું તથા તેમની સાથે કોઈપણ પ્રકારની શારીરિક કે માનસિક હેરાનગતિ ન કરવી એ દરેક સંતાનની નૈતિક અને કાયદાકીય જવાબદારી છે.

 

ટીમ દ્વારા પુત્રને માતા-પિતાના ભરણપોષણ અને કલ્યાણ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ વિશે સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી. ખાસ કરીને માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ તથા કલ્યાણ અધિનિયમ, 2007 અંતર્ગત સંતાનોની જવાબદારીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યો હતો. સાથે જ, ધમકી આપવી, મારપીટ કરવી કે મિલકતને નુકસાન પહોંચાડવા જેવી બાબતો કાયદાકીય રીતે ગંભીર બની શકે છે તે અંગે પણ સમજાવવામાં આવ્યું હતું.

 

કાઉન્સેલરે પુત્રને પોતાની જવાબદારી સમજી યોગ્ય રોજગાર અથવા કામધંધો શરૂ કરવા, માતા સાથે સન્માનપૂર્વક વર્તવા, ખેતીકામમાં સહયોગ આપવા અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની હેરાનગતિ કે ધમકી ન આપવા સમજાવ્યું હતું.

 

181 અભયમની ટીમ દ્વારા કરવામાં આવેલા અસરકારક કાઉન્સેલિંગ અને કાયદાકીય સમજાવટ બાદ પુત્રને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. તેણે ભવિષ્યમાં માતા સાથે સારી રીતે વર્તવાની, તેમને કોઈપણ પ્રકારની હેરાનગતિ કે ધમકી ન આપવાની, યોગ્ય કામધંધો કરવાની તથા પરિવાર સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેવાની ખાતરી આપી હતી.

 

આમ, 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સમયસર સ્થળ પર પહોંચી સંવેદનશીલ અભિગમ, અસરકારક કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શન દ્વારા વૃદ્ધ મહિલાને જરૂરી સહાય પૂરી પાડી હતી અને પારિવારિક વિવાદનું સુખદ નિરાકરણ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *