વ્યારા ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજ્યંતી નિમિત્તે “રન ફોર યુનિટી” યોજાઈ
Contact News Publisher

જિલ્લા સેવાસદન ખાતે સામૂહિક એકતા શપથ ગ્રહણ અને એકતા દોડનું સુંદર આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૧- ભારત દેશના રજવાડાઓને એક કરી અખંડ ભારતને કંડારનાર શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજ્યંતી નિમિત્તે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા (જિલ્લા સેવા સદન) ખાતે “રન ફોર યુનિટી” યોજાઈ હતી. જિલ્લા વહીવટીતંત્ર સાથે વ્યારા નગરજનોએ એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખી સરદાર વલ્લભભાઈ પટેલના દુરંદેશી કાર્યોમાં યોગદાન આપવાના શપથ ગ્રહણ કર્યા હતા.
જિલ્લા કલેકટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ સિસલે, જિલ્લા પોલીસવડાશ્રી જે.એન. દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલ “રન ફોર યુનિટી” દરમિયાન મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલી આપી એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. એકતાના સંદેશ સાથે બાળકો, યુવાનો, પોલીસ, વનવિભાગ, શિક્ષણ, આરોગ્ય સહિત વહીવટીતંત્રના અધિકારી/કર્મચારીઓ ઉમળકાભેર ઉપસ્થિત રહ્યા હતા.એકતાની આ દોડ જિલ્લા સેવાસદન, ઉનાઈ નાકા, સયાજી ગ્રાઉન્ડ થઈ સરકીટ હાઉસ ખાતે સંપન્ન થઈ હતી.
રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર. બોરડ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.જી. નરવડે, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભૂપેન્દ્ર રાઠોડ, પ્રાંત અધિકારી, જિલ્લા સ્પોર્ટ્સ ડેવલોપમેન્ટ ઓફિસર ચેતન પટેલ સહિત નગરજનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે ભાગ લેનાર તમામ લોકો માટે ચા-નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
○○●
