વ્યસની પતિને કાયદાનું ભાન કરાવી દાંપત્ય જીવનમાં સુખદ સમાધાન કરાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન – ઉમરા ટીમ
181 helpline

માનસિક ત્રાસનો ભોગ બનેલી મહિલાને તાત્કાલિક મદદ, અસરકારક કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન અને પરિવારનું પુનઃમિલન કરાવતી 181 અભયમ ટીમ
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૫. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં સંપર્ક કરી જણાવ્યું હતું કે તેમના પતિ છેલ્લા કેટલાક સમયથી વ્યસનની આદતને કારણે નિયમિત રીતે ઘરમાં ઝઘડા કરે છે, માનસિક ત્રાસ આપે છે તેમજ શંકાના આધારે તેમના પર વિવિધ પ્રકારના નિયંત્રણો લાદે છે. પરિસ્થિતિ અસહ્ય બનતા મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી.
કોલ મળતા જ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ઉમરા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સૌપ્રથમ પીડિત મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરી સંવેદનશીલ રીતે કાઉન્સેલિંગ શરૂ કર્યું.
કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે પીડિતા છેલ્લા દસ વર્ષથી પોતાના પતિ અને એક સંતાન સાથે સુરતમાં રહે છે અને મૂળ મધ્ય પ્રદેશના વતની છે. પીડિતાના પતિ ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવા છતાં છેલ્લા બે મહિનાથી નોકરી પર જતા ન હતા. બીજી તરફ પીડિતા પરિવારનું ભરણપોષણ કરવા માટે બાળકની સંભાળ રાખવાની સાથે પાર્ટ-ટાઇમ નોકરી પણ કરી રહી હતી.
પીડિતાએ વધુમાં જણાવ્યું કે તેમના પતિ વ્યસન કરીને ઘરે આવતા, અન્ય લોકોની વાતોમાં આવી તેમના પર નિરાધાર શંકા કરતા તેમજ આસપાસની મહિલાઓ સાથે વાતચીત ન કરવા, ઘરની બહાર ન નીકળવા જેવી બાબતોને લઈને સતત માનસિક દબાણ અને અપમાનજનક વર્તન કરતા હતા. પીડિતાના પિયરપક્ષમાં કોઈ ન હોવાથી તેમના પતિ વારંવાર આ બાબતનો ઉલ્લેખ કરી તેમને માનસિક રીતે હેરાન કરતા હતા.
181 અભયમ ટીમે બંને પક્ષોનું ધીરજપૂર્વક અને નિષ્પક્ષ કાઉન્સેલિંગ કરી દાંપત્ય જીવનમાં ઊભી થયેલી સમસ્યાના મૂળ કારણોને સમજવાનો પ્રયાસ કર્યો. ટીમ દ્વારા પતિને વ્યસનના દૂષણો, પત્ની અને બાળક પ્રત્યેની નૈતિક તથા કાનૂની જવાબદારીઓ તેમજ પરિવારના મહત્વ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી.
સાથે જ પતિને મહિલાઓને ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસથી રક્ષણ આપતા “ઘરેલુ હિંસાથી મહિલાઓનું સંરક્ષણ અધિનિયમ સહિત સંબંધિત કાયદાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા. તેમને સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે પત્નીને માનસિક કે શારીરિક ત્રાસ આપવો, ધમકી આપવી અથવા અપમાનજનક વર્તન કરવું કાયદેસર ગુનો બની શકે છે અને આવી પરિસ્થિતિમાં મહિલાને કાનૂની રક્ષણ મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે.
181 અભયમ ટીમ દ્વારા કડક શબ્દોમાં કાયદાનું ભાન કરાવતા પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે ભવિષ્યમાં વ્યસનથી દૂર રહેવાનો પ્રયાસ કરવા, પત્ની પર શંકા ન રાખવા, અપશબ્દોનો ઉપયોગ ન કરવા, પત્ની અને બાળકનું સન્માનપૂર્વક ભરણપોષણ કરવાની તેમજ પરિવાર પ્રત્યેની તમામ જવાબદારીઓ નિભાવવાની ખાતરી આપી હતી.
બંને પક્ષોની સંમતિથી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે સુખદ સમાધાન કરાવી પરિવારને ફરી એકત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પીડિત મહિલાએ 181 અભયમ ટીમનો સમયસર પહોંચીને સંવેદનશીલ કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન અને પરિવારનું વિખૂટું પડતું જીવન બચાવવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
