તાપી જિલ્લાની સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી પ્રશંસાપાત્ર

0
તાપી જિલ્લાની સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી પ્રશંસાપાત્ર
Contact News Publisher

૧.૫ કિમી પગપાળા ચાલી સખી સેન્ટરની ટીમે ગુમ થયેલા બહેનનું પરિવાર સાથે મિલન કરાવ્યું

—  

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૫. :- તાપી જિલ્લાની ‘૧૮૧ અભયમ હેલ્પલાઈન’ અને ‘સખી વન સ્ટોપ સેન્ટર’ની ટીમે સંવેદનશીલતાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા કેટલાંય દિવસથી ઘરથી વિખૂટા પડીને ભટકતા એક માનસિક અસ્વસ્થ મહિલાને શોધી કાઢી, તેમને હેમખેમ તેમના પરિવાર સુધી પહોંચાડ્યા છે.

 

અસ્વસ્થ હાલતમાં મળી આવેલા આ બહેનને ગત ગુરુવારે અભયમ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી વ્યારા સખી સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં બહેનોએ તેમને ત્રણ દિવસ રાખી, પ્રેમથી કાળજી લીધી અને કાઉન્સેલિંગ કર્યું. ધીમે-ધીમે ડર દૂર થતાં આ બહેને પોતાના ઘરનું સરનામું ડોલવણ તાલુકાનું કેલવણ ગામ હોવાનું જણાવ્યું હતું.

 

સરનામું મળતાં જ સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે બહેનને લઈને તેમના ગામે જવા રવાના થઈ હતી. જો કે, ચોમાસાને કારણે અંતરિયાળ વિસ્તારમાં જ્યાં સુધી વાહન જઈ શક્યું ત્યાં સુધી ટીમ ગઈ હતી.

 

આગળનો રસ્તો કપરો અને કાદવથી ભરેલો હોવા છતાં, ટીમે હિંમત હાર્યા વિના અસ્વસ્થ મહિલાનો હાથ પકડી રાખ્યો અને હળવા વરસાદ વચ્ચે બાકીનું ૧.૫ કિલોમીટરનું અંતર પગપાળા કાપીને તેમના ઘર સુધી પહોંચ્યા હતા.

 

૧૫ દિવસ બાદ પોતાના સ્વજનને સહીસલામત પાછા મેળવીને પરિવારજનો ભાવુક થઈ ગયા હતા અને વહીવટી તંત્રની આ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

 

ભારત સરકાર પુરસ્કૃત આ સમગ્ર સફળ કામગીરી તાપી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. જેમાં સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક શ્રી મધુબેન પરમાર અને કેસ વર્કર શ્રી અનુરાધાબેન દ્વારા નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવેલી આ કામગીરી પ્રશંસનીય રહી છે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *