તાપીના નાગરિકો માટે સરકારી સેવાઓ હવે ખરેખર આંગળીના ટેરવે

સંસ્કૃતિ સાથે સ્માર્ટ ગવર્નન્સ : સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ
—
ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ વહીવટથી ઝડપી અને પારદર્શક સેવાઓ
—
આવકના દાખલાથી લઈને રેશનકાર્ડ સહિતની 32 સેવાઓ હવે ઘરબેઠાં ઓનલાઈન ઉપલબ્ધ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 15 :- તાપી જિલ્લાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેણે પોતાની ધરોહર સમાન પરંપરાગત આદિવાસી સંસ્કૃતિને હૃદયપૂર્વક જાળવી રાખવાની સાથે આધુનિક ટેક્નોલોજીને પણ એટલી જ સહજતાથી અપનાવી છે. કુદરતી સૌંદર્યથી સભર આ જિલ્લાના મહેનતુ ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય નાગરિકોના જીવનને વધુ સરળ અને સુવિધાસભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ, સેવાઓ તથા પહેલ અમલમાં મૂકાઈ છે.
આ પહેલમાં “સુગમ ડિજિટલ ગુજરાત” પોર્ટલ એક મહત્વપૂર્ણ સેતુ બનીને ઉભર્યું છે. આ સંવેદનશીલ અને ક્રાંતિકારી વ્યવસ્થાના કારણે આજે વહીવટી તંત્ર સીધું લોકોના ઘરઆંગણે પહોંચ્યું છે. પરિણામે, તાપીના નાગરિકોને પોતાના હકના કામો માટે જિલ્લા કે તાલુકા મથકની સરકારી કચેરીઓમાં ધક્કા ખાવાની જરૂર રહેતી નથી.
આ અદ્યતન ડિજિટલ માધ્યમ દ્વારા તેઓ ઘરબેઠાં વિવિધ સરકારી સેવાઓનો સરળતાથી લાભ મેળવી રહ્યા છે. આ વ્યવસ્થાના કારણે સમય, શ્રમ અને નાણાંની બચત થઈ રહી છે, જે તેમના જીવનને વધુ સરળ, ગરિમાપૂર્ણ અને ગતિશીલ બનાવી રહી છે..
“સુગમ ડિજિટલ ગુજરાત” પોર્ટલ તાપી જિલ્લાના નાગરિકો માટે સરકારી સેવાઓનું એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ બની રહ્યું છે. તેના માધ્યમથી SC, ST, SEBC અને EWSના દાખલાઓ, આવકના દાખલા, રેશનકાર્ડ સહિતની 32 વિવિધ સેવાઓ માટે નાગરિકો ઘરબેઠાં સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે છે.
આ પહેલની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે નાગરિકોને વારંવાર એક જ પ્રકારના દસ્તાવેજો રજૂ કરવાની કંટાળાજનક પ્રક્રિયામાંથી મુક્તિ મળી છે. પોર્ટલ પર એક વખત નોંધાયેલી માહિતીનો વિવિધ સેવાઓ માટે પુનઃઉપયોગ થઈ શકતો હોવાથી અરજી પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બની છે.
સ્તાવેજોની ચકાસણી પ્રક્રિયાને વધુ સરળ અને વિશ્વસનીય બનાવવા માટે ડિજિટલ ઓળખ, API મારફતે ઓનલાઈન રેકોર્ડ વેરિફિકેશન અને ડીજીલોકર ઇન્ટિગ્રેશન જેવી અદ્યતન સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે. પરિણામે, માહિતીની ચકાસણી ઝડપથી અને વધુ સુરક્ષિત રીતે થઈ શકે છે.
નાગરિકોની સુવિધાને વધુ સગવડભરી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા e-Sign, UPI મારફતે ઓનલાઈન ચુકવણી તથા વોટ્સએપ જેવા લોકપ્રિય ડિજિટલ માધ્યમ દ્વારા સેવાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. અરજી મંજૂર થતાં જ QR કોડ ધરાવતા પ્રમાણપત્રો સીધા જ નાગરિકોના મોબાઈલ પર ઉપલબ્ધ થઈ જાય છે, જેના કારણે તેમને કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહેતી નથી.
ખાસ કરીને તાપી જિલ્લાના દૂરના અને અંતરિયાળ ગામોમાં વસતા નાગરિકો માટે “સુગમ ડિજિટલ ગુજરાત” પોર્ટલ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. અગાઉ સામાન્ય પ્રમાણપત્ર મેળવવા કે રેશનકાર્ડ સંબંધિત કામગીરી માટે સરકારી કચેરીઓમાં રૂબરૂ જવું પડતું હતું, જ્યારે હવે મોટાભાગની સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ બનતાં સમય, ખર્ચ અને શ્રમની નોંધપાત્ર બચત થઈ રહી છે.
વહીવટી સ્તરે પણ ગવર્નમેન્ટ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ (GPR)ના કારણે અરજીઓના નિકાલમાં નોંધપાત્ર ઝડપ આવી છે. વિવિધ સરકારી ડેટાબેઝના આંતરિક સંકલનથી માહિતીની ચોકસાઈ, પારદર્શિતા અને વિશ્વસનીયતામાં વધારો થયો છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
