સોનગઢ તાલુકામાં રૂ. ૧૭.૧૪ કરોડથી વધુનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત

રાજ્યકક્ષાના રમતગમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે ૧૫ જેટલાં માર્ગો, બોક્સ કલ્વર્ટ, સ્લેબડ્રેઇન અને યુ.પી.એચ.સી. ભવનનાં કામોનો પ્રારંભ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : -તા.૧૬. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોની માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે રાજ્યકક્ષાના રમતગમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) તથા સંબંધિત વિભાગનાં અંદાજિત રૂ. ૧૭.૧૪ કરોડથી વધુના ૧૫ જેટલાં વિકાસકામોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકામોમાં નવા રસ્તાઓ, બોક્સ કલ્વર્ટ, સ્લેબડ્રેઇન તેમજ સોનગઢ ખાતે નવા અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર (યુ.પી.એચ.સી.)ના ભવનનું નિર્માણ સામેલ છે.
આ પ્રસંગે મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો ઉદ્દેશ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ મજબૂત બનાવી નાગરિકોના જીવનને વધુ સુવિધાજનક બનાવવાનો છે. રસ્તાઓનું નેટવર્ક મજબૂત બનવાથી ગામડાંઓની કનેક્ટિવિટીમાં સુધારો થશે, લોકોને અવરજવરમાં સરળતા રહેશે અને વિકાસની તકો વધુ સુલભ બનશે. સાથે જ, આરોગ્ય સુવિધાઓના માળખાકીય વિકાસથી સ્થાનિક નાગરિકોને નજીકમાં વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને વેગ મળશે.
સોનગઢ તાલુકામાં મંજૂર થયેલાં મુખ્ય વિકાસકામો જોઈએ તો….
સોનગઢ ખાતે નવનિર્માણ પામનાર પીઆઈયુ ડિપાર્ટમેન્ટ હસ્તકના યુ.પી.એચ.સી. ભવન માટે રૂ. ૧.૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાણીઆંબા સાંઢકૂવાથી ચાપલધરા સુધીના ૨.૨૦૦ કિમીના માર્ગ માટે રૂ. ૧.૧૮ કરોડ, ટોકરવા મેઇન રોડથી કિશાન ફળિયા સુધીના માર્ગ માટે રૂ. ૫૦ લાખ અને ચીમકુવા મોટા ફળિયાથી ગામઠાણ સુધીના ૧ કિમીના માર્ગ માટે રૂ. ૫૮ લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
મેઢસીગી એપ્રોચ રોડ માટે રૂ. ૭૫ લાખ, જામખડી કોટવાળિયા ફળિયા રોડ માટે રૂ. ૭૫ લાખ અને સ્ટેટ હાઇવેથી જામખડી એપ્રોચ રોડ માટે રૂ. ૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મેઢા આમલીપાડા ફળિયા રોડ પર બોક્સ કલ્વર્ટના નિર્માણ માટે રૂ. ૩.૫૦ કરોડ તથા શ્રાવણીયા-આમથવા રોડ પર બોક્સ કલ્વર્ટ માટે રૂ. ૧.૧૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
શ્રાવણીયા દાબદાર ફળિયા મેઇન રોડથી રમીલાબેનના ઘર સુધીના ૧ કિમીના માર્ગ માટે રૂ. ૬૦ લાખ, વિરથવાથી જામલા રોડ માટે રૂ. ૧.૧૫ કરોડ, લાંગડથી માલ રોડના રિસરફેસિંગ માટે રૂ. ૧.૫૩ કરોડ અને સોનગઢ-ઓટા રોડ પર લાંગડ ગામે સ્લેબડ્રેઇન(માં.મ સ્ટેટ)ના નિર્માણ માટે રૂ. ૧.૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત માલ-પહાડદા રોડ માટે રૂ. ૧.૩૦ કરોડ અને ઓટા પટેલ ફળિયાથી સિનોદ રોડ માટે રૂ. ૬૮ લાખનાં કામોનો પણ સમાવેશ થાય છે.
આ વિકાસકામો પૂર્ણ થતાં સોનગઢ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓ વધુ સુદૃઢ બનશે. ચોમાસા દરમિયાન પાણીના નિકાલ અને માર્ગ પરના અવરોધો ઘટાડવામાં બોક્સ કલ્વર્ટ તથા સ્લેબડ્રેઇન ઉપયોગી બનશે. સાથે જ, યુ.પી.એચ.સી. ભવનના નિર્માણથી શહેરી તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાશે.
○●○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
