સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :, તા. 16. સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા વિશ્વ ખાદ્ય દિવસ નિમિત્તે સિંગલખાંચ સ્થિત પ્રાથમિક શાળામાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સંતુલિત આહાર, પોષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રના સંશોધન અને વિસ્તરણ કાર્ય સાથે સંકળાયેલા નિષ્ણાતો ડો. ફોરમ વાળા અને શ્રી. કુલદીપ પીઠિયા દ્વારા વિદ્યાર્થીઓને સંતુલિત આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. દૈનિક જીવનમાં પૌષ્ટિક અને સંતુલિત આહારનો સમાવેશ કરીને કેવી રીતે નિરોગી રહી શકાય તથા શરીરના સર્વાંગી વિકાસમાં પોષક તત્ત્વો કેવી રીતે મદદરૂપ બને છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને ખાસ કરીને માછલીમાંથી મળતી પોષક મૂલ્ય અને સંતુલિત આહારમાં તેના મહત્વ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. માછલી ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન અને વિવિધ ખનિજ તત્ત્વોનો સારો સ્ત્રોત છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં પૌષ્ટિક આહારની ભૂમિકા વિશે પણ સમજણ આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
