અખિલ ગુજરાત ગામીત સમાજ સેવા મંડળ, વ્યારા દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો
રામપુરા નજીક યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં 20 નવયુગલ દંપતિઓ આદિવાસી પરંપરા મુજબ લગ્નગ્રંથિથી જોડાયા
—
રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રમત-ગમત અને ઉદ્યોગ રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં અખિલ ગુજરાત ગામીત સમાજ સેવા મંડળ, વ્યારાના રામપુરા નજીક દ્વારા દૂધીબા સરસ્વતી વિદ્યામંદિર ખાતે તા. 15 મે, 2026 ના રોજ દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 20 નવયુગલ દંપતિઓ આદિવાસી પરંપરા અને રીતરિવાજ મુજબ લગ્નગ્રંથિથી જોડાયા હતા.

સમાજમાં વધતા બિનજરૂરી ખર્ચા ઘટાડવા તેમજ સામાજિક દુષણોને રોકવાના હેતુથી આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ, વડીલો, યુવાનો અને મહિલાઓએ સક્રિય સહભાગિતા નોંધાવી હતી. દાતાશ્રીઓ દ્વારા નવયુગલ દંપતિઓને ઘરવખરી રૂપે કબાટ, પલંગ, ગાદલા તેમજ થાળી-વાટકી-ગ્લાસના સેટ જેવી ઉપયોગી ભેટો આપવામાં આવી હતી.
અખિલ ગુજરાત ગામીત સમાજ સેવા મંડળ દ્વારા પ્રતિ જોડા અંદાજે રૂ.15 હજાર જેટલો ખર્ચ કરી ઓછા ખર્ચે લગ્ન યોજી સમાજ સમક્ષ પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે નીતિનભાઈ ગામીત, અજયભાઈ ગામીત, ભીલાભાઈ ગામીત સહિત સમાજના અગ્રણીઓ તેમજ સોનગઢ, વ્યારા, કપૂરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આશરે 3000 જેટલા સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક વાજિંત્રો સાથે આદિવાસી નૃત્ય-સંગીત દ્વારા નવદંપતિઓનું ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમૂહ લગ્નવિધિ દરમિયાન અગ્રણી અરવિંદભાઈ ગામીત દ્વારા પ્રકૃતિ પૂજન સાથે આદિવાસી પરંપરા મુજબ વિધિ કરાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સમાજના પ્રમુખ ભુપેન્દ્રભાઈ કે. કુમાર, ઉપપ્રમુખ રાજુભાઈ ગામીત, ઉપપ્રમુખ રતનભાઈ પી. પટેલ, મંત્રી અર્જુનભાઈ આર. ગામીત, ખજાનચી સુમનભાઈ આર. ગામીત તથા ટ્રસ્ટી મંડળના 21 કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
સમાજના નવયુવાનોને સમૂહ લગ્ન તરફ પ્રોત્સાહિત કરવા માટે આયોજક મંડળ દ્વારા વિવિધ વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર કરી અલગ-અલગ ટીમો મારફતે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ આયોજકો, દાતાશ્રીઓ અને ઉપસ્થિત સમાજજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
