વૈષ્ણવ સંપ્રદાયમાં એકતાનું પ્રતીક એટલે વિશાલાડ વણિક સમાજ, વ્યારા
Contact News Publisher

દિવાળીના પર્વે દ્વિદિવસીય રમતોત્સવ અને સ્નેહમિલનનું ભવ્ય આયોજન; 58 પરિવારોના 140 જેટલા સમાજસભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વૈષ્ણવ સંપ્રદાયમાં એકતા, સંપ અને સામાજિક સહકારનું સુંદર પ્રતિબિંબ એટલે વ્યારાનો વિશાલાડ વણિક સમાજ. સામાજિક એકતા, સંસ્કાર, શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપતા સમાજ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ દ્વિદિવસીય રમતોત્સવ અને સ્નેહમિલન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના 58 પરિવારોના અંદાજે 140 જેટલા સભ્યોએ ઉત્સાહ, ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે કાર્યક્રમમાં ભાગ લઈ તેને યાદગાર બનાવ્યો હતો.
વ્યારામાં બાલકૃષ્ણ હવેલી મંદિર પાસે કાચવાલા સ્ટ્રીટ ખાતે વિશાલાડ વણિક સમાજ દ્વારા આશરે 20 વર્ષ પૂર્વે વિશાળ બે માળની અને ભૌતિક સુવિધાઓથી સજ્જ વાડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ વાડી વ્યારાની જનતા માટે સુખ-દુઃખના પ્રસંગો તેમજ સામાજિક મેળાવડાઓના આયોજન માટે એક મહત્ત્વપૂર્ણ સુવિધા બની રહી છે.
સમાજ દ્વારા વર્ષોથી દિવાળી રમતોત્સવ, સ્નેહમિલન અને સામૂહિક ભોજન જેવા કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત સમાજના બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ભુરીબેન ચંદુલાલ શાહ પુસ્તકાલય ભંડોળ અંતર્ગત સમાજના દાતાઓના સહયોગથી નોટબુક સહિત જરૂરી શૈક્ષણિક સાહિત્યનું વિતરણ કરવાની સેવાકીય પ્રવૃત્તિ પણ અવિરત ચાલુ રાખવામાં આવી છે.
વર્ષ 2026થી 2029 સુધીના ત્રણ વર્ષ માટે નવા નિયુક્ત પ્રમુખ કેતનભાઈ શાહના વડપણ હેઠળ આ વર્ષે પણ તમામ સમાજસભ્યોના સહયોગ અને સહકારથી રમતોત્સવ તથા સ્નેહમિલન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના ટ્રસ્ટીઓ હસમુખભાઈ ટોપલાવાળા, રાકેશભાઈ કાચવાલા, વિજયભાઈ કાચવાલા, ઉપપ્રમુખ વિનોદભાઈ શાહ, મંત્રી કશ્યપભાઈ શાહ, સહમંત્રી પિન્ટુ શાહ સહિત સમાજના આદરણીય વડીલો અને સભ્યોએ આયોજનને સફળ બનાવવા ખડેપગે રહી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આઠ વિવિધ રમતોમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌએ લીધો ઉત્સાહભેર ભાગ
દ્વિદિવસીય રમતોત્સવમાં લીંબુ-ચમચી, ડબ્બાફોડ, કપલ ગેમ, સંગીત ખુરશી, સ્લો મોપેડ, સ્લો સાઇકલ, ચેસ અને કેરમ સહિતની આઠ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોમાં નાના બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રમતગમતની સ્પર્ધાઓ દરમિયાન સૌએ આનંદ અને હર્ષોલ્લાસ સાથે ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી. વિવિધ રમતોમાં વિજેતા બનેલા સ્પર્ધકોને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
ચાલુ વર્ષના રમતોત્સવના ઇનામ વિતરણ માટે દાતા તરીકે શ્રીમતી અરુણાબેન અને મનોજભાઈ સાકરલાલ શાહે યોગદાન આપ્યું હતું. સમાજ દ્વારા તેમના ઉદાર સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ સમાજની પ્રવૃત્તિઓમાં દાતાઓનું યોગદાન અન્ય સમાજબંધુઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું હતું.
સ્નેહમિલન કાર્યક્રમમાં મહેમાનોનું સન્માન અને નૂતન વર્ષાભિનંદન
નૂતન વર્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત મનોજભાઈ અને અરુણાબેનનું સમાજના પ્રમુખ કેતનભાઈ શાહ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજના તમામ હોદ્દેદારોનું પણ વરિષ્ઠ સમાજસભ્યોના હસ્તે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રમુખ કેતનભાઈ શાહે સૌ સમાજબંધુઓને વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી ‘જય શ્રીકૃષ્ણ’ના અભિવાદન સાથે સમાજની ગૌરવગાથા અને એકતાની પરંપરાને આગળ વધારવાનો સંદેશ આપ્યો હતો.
તેમણે સમાજના સર્વાંગી વિકાસ માટે સંપ, શિક્ષણ અને સેવા એમ ત્રણ મહત્ત્વપૂર્ણ સંકલ્પો પર ભાર મૂક્યો હતો. સમાજના દરેક સભ્યએ પોતાના કર્તવ્યનું પાલન કરીને સામાજિક એકતા મજબૂત બનાવવાની સાથે શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિઓને વેગ આપવો જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી. સમાજના સભ્યોનો સામાજિક, આર્થિક અને માનસિક વિકાસ થાય તેમજ સૌનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને સમાજ નવી દિશા તથા નવા આયામો સર કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
કાર્યક્રમના અંતે હિતેનભાઈ શાહે નામી-અનામી તમામ સહયોગીઓ અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મેહુલભાઈ અને અમિતભાઈ શાહે કાર્યક્રમના સંચાલન અને વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. ત્યારબાદ તમામ સમાજબંધુઓએ સાથે મળીને સમૂહ ભોજનનો આનંદ માણ્યો હતો.
આમ, દિવાળીના પર્વે યોજાયેલો વિશાલાડ વણિક સમાજનો દ્વિદિવસીય રમતોત્સવ અને સ્નેહમિલન કાર્યક્રમ સંપ, સહકાર, સંસ્કાર અને સામાજિક એકતાનું સુંદર ઉદાહરણ બની રહ્યો હતો. સમાજના તમામ પરિવારોની ઉમળકાભેર ઉપસ્થિતિ અને સહભાગિતાએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.
○○○
