કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતીની ભાવભેર ઉજવણી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૫. સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે આજ રોજ આદિવાસી સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાની, જનનાયક અને ધરતી આબા ભગવાન બિરસા મુંડા જીની ૧૫૧મી જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં માછીમાર સમુદાયના આગેવાનો, પ્રતિનિધિઓ તથા કામધેનુ યુનિવર્સિટીના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાવભેર સહભાગી બની ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામાજિક અગ્રણી શ્રી. નૈતિકજી દુબે તથા સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન ના પ્રતિનિધિ શ્રી. જીતેન્દ્ર પાલ સાથે કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્રના વડા ડૉ. સ્મિત આર. લેન્ડે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ તેમના પ્રેરણાદાયી જીવનચરિત્ર, આદિવાસી સમાજના ઉત્થાન માટેના સંઘર્ષ, જળ-જંગલ-જમીનના સંરક્ષણ અને દેશની આઝાદીની લડતમાં આપેલા અમૂલ્ય યોગદાન વિશે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.
ભગવાન બિરસા મુંડાનું જીવન આપણને સ્વાભિમાન, સંઘર્ષ, સામાજિક એકતા, પ્રકૃતિ સંરક્ષણ અને સમાજસેવાની અવિરત પ્રેરણા આપે છે.
●○○
