ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતિની શાનદાર ઉજવણી
Contact News Publisher

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આદિવાસી સમુદાયના સમુચિત વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે – રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીત
—
ગઢચિરોલી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણને નિહાળીને પ્રેરિત થતાં આદિવાસી ભાઈઓ-બહેનો
—
આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા પારંપારિક આદિવાસી નૃત્યો વસાવા રોડાલી બેન્ડ પાર્ટી, સોંઘાડીયા નૃત્ય,ચૌધરી તારપા નૃત્ય,ગામીત ચાંગ્યા ઢોલ જેવી વિશિષ્ટ કૃતિઓ નિહાળી દર્શકો અને મહાનુભાવો ગૌરવભેર ઝૂમી ઉઠ્યા
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૫- રાજ્યકક્ષાના રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી ડો. જયરામભાઈ ગામીતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતિ નિમિત્તે ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે યોજાયેલા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યુ કે, આદિવાસી જનનાયકોને સાચી શ્રદ્ધાંજલી આપવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૫મી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ, જે આપણા સૌ આદિવાસી સમુદાય માટે ગૌરવની વાત છે.
તેમણે કહ્યુ કે, ભગવાન બિરસામુંડાજી સહિતના અનેકવિધ નામી-અનામી સ્વાતંત્રતા સેનાની અને ક્રાંતિવીરોએ આદિવાસી સમુદાયને જળ, જંગલ અને જમીનના હક-અધિકાર અપાવ્યા છે ત્યારે આજની યુવા પેઢી પણ આદિવાસી સંસ્કૃતિ, સંસ્કાર અને અસ્મિતા માટે જાગૃત થાય તે જરૂરી છે. વડાપ્રધાનશ્રીએ આદિવાસી સમુદાયના સમુચિત વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. રાજ્ય સરકારે પણ આદિવાસી સમુદાયના શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય, રોજગાર, મહિલા સશક્તિકરણ, ખેતી-પશુપાલન સહિત તમામ ક્ષેત્રે વિકાસની રાહ ચિંધી છે.
નોંધનીય છે કે, રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીત સહિતના ઉપસ્થિત મહાનુભાવો, આમંત્રિતોના હસ્તે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ વ્યક્તિ વિશેષને સન્માનિત કરાયા હતા. ઉપરાંત, સરકારી યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયુ હતુ.
સાથે જ, સભામંડપમાં ઉપસ્થિત સૌએ મહારાષ્ટ્રના ગઢચિરોલી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણની નિહાળીને માર્ગદર્શત થયા હતા.
કાર્યક્રમ પ્રારંભે, મંત્રીશ્રીએ ઉચ્છલ સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાજીના પ્રતિમાને પુષ્પાર્પણ કરીને વંદન કરીને ભગવાન બિરસામુંડા માર્ગના નામકરણ તકતીનું અનાવરણ કર્યુ હતુ. જે બાદ તેમણે મામલતદાર કચેરી ખાતે ભગવાન બિરસામુંડાજીના પ્રતિમાનુ અનાવરણ કર્યુ હતુ.
આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાને ઉજાગર કરતા પારંપારિક આદિવાસી નૃત્યો વસાવા રોડાલી બેન્ડ પાર્ટી, સોંઘાડીયા નૃત્ય, ચૌધરી તારપા નૃત્ય, ગામીત ચાંગ્યા ઢોલ જેવી વિશિષ્ટ કૃતિઓ નિહાળી દર્શકો અને મહાનુભાવો ગૌરવભેર ઝૂમી ઉઠ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મંત્રી ડો. જયરામભાઈ ગામીતે બાબરઘાટ ખાતે આદિવાસી સંગીતના તાલે મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો સાથે રેલીમાં જોડાયા હતા.
૧૭૨ વિધાનસભા મતવિસ્તારમાં આયોજિત આ ભવ્ય ઉજવણીમાં જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ સિસલે સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખ સર્વશ્રીઓ, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, વ્યક્તિ વિશેષ પદ્મશ્રી રમિલાબેન ગામીત સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો, સ્થાનિક હોદ્દેદારો-આગેવાનો, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
○○○
