જનજાતિય ગૌરવ સપ્તાહ અંતર્ગત વ્યારામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આદિવાસી સમાજ વિકાસની મુખ્યધારામાં જોડાયો છે – નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૬. – ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ઉજવાઈ રહેલા ‘જનજાતિય ગૌરવ સપ્તાહ – ૨૦૨૬’ અંતર્ગત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલે વ્યારાના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હૉલ ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલન’ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને સંબોધતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો આદિવાસી સમાજ આજે વિકાસની મુખ્યધારામાં જોડાયો છે.
નાયબ મુખ્ય દંડકશ્રીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડા, તાત્યા ભીલ સહિતના અનેક આદિવાસી વીર નાયકોના બલિદાન અને ગૌરવશાળી ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી ૧૫મી નવેમ્બરને ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ધાર કરાયો છે.
તેમણે કહ્યુ, આદિવાસી સમાજના છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવા સરકાર દ્વારા પી.એમ. જનમન યોજના અને વનબંધુ કલ્યાણ યોજના જેવી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેના થકી અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા અને સિંચાઈ સહિતની પાયાની સુવિધાઓનો વ્યાપ વધ્યો છે. કિસાન સન્માન નિધિ અને મફત અનાજ જેવી કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ લાખો પરિવારો સુધી સીધો પહોંચી રહ્યો છે.
વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા તેમણે પ્રબુદ્ધ નાગરિકો, યુવાનો, ખેડૂતો, મહિલાઓ સહિત સૌને ખભેખભો મિલાવીને સહયોગ આપવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું કે, આ સંમેલન છેવાડાના માનવી સુધી વિકાસ અને જાગૃતિ પહોંચાડવાનો પ્રયાસ છે. આદિવાસી ક્રાંતિવીરોના અમૂલ્ય યોગદાનને સન્માન આપવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણીની પહેલ કરી છે, જેના પરિણામે આજે સમગ્ર દેશમાં આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને યોગદાનને સન્માન મળી રહ્યું છે.
ભગવાન બિરસા મુંડાજીએ સમાજને વ્યસનમુક્તિ, સ્વચ્છતા, શિક્ષણ અને સ્વાભિમાનનો માર્ગ બતાવ્યો હતો. આ ઉપરાંત, તેમણે મતદાર યાદી સુધારણા અંગે નાગરિકોમાં ફેલાતી અફવાઓથી દૂર રહી ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતી અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરી હતી.
આ તકે વક્તાશ્રી સંદિપભાઈ ચૌધરીએ ભગવાન બિરસા મુંડાજીના જીવનચરિત્ર અને તેમના સંઘર્ષમય યોગદાન અંગે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. તેમણે ભારત અને ગુજરાતના જનજાતિ સમુદાયમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક જાગૃતિના મહત્વ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ મોહનભાઈ ઢોડિયા અને મોહનભાઈ કોંકણી, જિલ્લા અગ્રણીશ્રીઓ જગદીશભાઈ પટેલ અને સુરજભાઈ વસાવા, નગરપાલિકા પ્રમુખ ડો. પ્રિયાબેન પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ સિસલે, પદ્મશ્રી રમીલાબેન ગામીત સહિત જિલ્લા-તાલુકાના હોદ્દેદારો, પંચાયતના સભ્યો, કોર્પોરેટરશ્રીઓ, આમંત્રિત મહેમાનો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
•○○●
