આંતરરાષ્ટ્રીય ગ્રામ્ય મહિલા દિવસ નિમિત્તે આધુનિક જળકૃષિ ટેકનોલોજી દ્વારા મહિલા સ્વરોજગાર વિષય પર વેબિનારનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૫. કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ સ્થિત સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર દ્વારા આંતરરાષ્ટ્રીય ગ્રામ્ય મહિલા દિવસ નિમિત્તે “આધુનિક જળકૃષિ ટેકનોલોજી દ્વારા મહિલા સ્વરોજગાર” વિષય પર તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વેબિનારનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારની મહિલાઓને આધુનિક જળકૃષિ ટેકનોલોજીથી માહિતગાર કરી સ્વરોજગારની નવી તકો અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. કાર્યક્રમમાં માછલી ઉછેરની આધુનિક પદ્ધતિઓ, બાયોફ્લોક ટેકનોલોજી, રિસર્ક્યુલેટરી એક્વાકલ્ચર સિસ્ટમ (RAS), એક્વાપોનિક્સ, માછલીઘર બનાવટ તથા સુશોભન અને મત્સ્ય પેદાશોમાં મૂલ્યવર્ધન જેવી પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
વેબિનારમાં વક્તા તરીકે સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈનાં માછીમારી અને જળકૃષિ વિશેષજ્ઞ ડૉ. ફોરમ વાળા (વરિષ્ઠ સંશોધન સહાય્યક) એ આધુનિક જળકૃષિ ક્ષેત્રમાં ઉપલબ્ધ રોજગાર અને ઉદ્યોગસાહસિકતાની તકો વિશે માહિતી આપી હતી. તેમણે મહિલાઓને સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને નાના પાયે વ્યવસાય શરૂ કરવા, કૌશલ્ય વિકસાવવા અને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય મહિલાઓમાં વૈજ્ઞાનિક અભિગમ, ટેકનોલોજી આધારિત કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. જળકૃષિ ક્ષેત્રમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી રોજગારીનું સર્જન, પરિવારની આવકમાં વધારો અને મહિલા સશક્તિકરણને વેગ મળી શકે છે.
સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર દ્વારા ભવિષ્યમાં પણ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારની મહિલાઓને જળકૃષિ આધારિત તાલીમ, ટેકનોલોજી અને સ્વરોજગારની તકો અંગે માર્ગદર્શન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
●●●●
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
