કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપીને ઝોનલ કક્ષાએ “બેસ્ટ પરફોર્મિંગ કેવિકે–૨૦૨૫” એવોર્ડ એનાયત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૧. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે કાર્યરત છે. સદર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વર્ષ ૨૦૨૫ દરમિયાન હાથ ધરવામાં આવેલી વિવિધ કૃષિ વિસ્તરણ પ્રવૃતિઓ, ખેડૂત તાલીમ, અગ્રિમ હરોળ નિદર્શન, વૈજ્ઞાનિક માર્ગદર્શન અને ખેડૂતોની કૌશલ્ય વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતાં ICAR–ATARI, ઝોન- VIII, પુણે દ્વારા “Certificate for Best Performing KVK 2025” (શ્રેષ્ઠ કામગીરી કરનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર–૨૦૨૫) નો ઝોનલ કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
આ સિદ્ધિ નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માનનીય કુલપતિશ્રી ડૉ. આર. એમ. નાયકની પ્રેરણા તથા માનનીય નિયામકશ્રી, વિસ્તરણ શિક્ષણ, ડૉ. એચ. આર. શર્માના દિશા સૂચન અને ડૉ. સી. ડી. પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપીના માર્ગદર્શન હેઠળ પ્રાપ્ત થઈ છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્વારા વર્ષ ૨૦૨૫ દરમિયાન કેવિકે તાપીના કૃષિ વિસ્તરણ, પશુવિજ્ઞાન, ગૃહવિજ્ઞાન, બાગાયત, પાક ઉત્પાદન અને પાક સંરક્ષણ વિભાગના વૈજ્ઞાનિકશ્રીઓની સંકલિત ટીમ કામગીરી, અસરકારક તાલીમ, નિદર્શન અને ખેડૂતલક્ષી વિસ્તરણ પ્રવૃત્તિઓના પરિણામે વર્ષ ૨૦૨૫ માટે ઝોનલ કક્ષાએ “Best Performing KVK 2025” એવોર્ડ પ્રાપ્ત થયો, જે સમગ્ર કેવિકે પરિવાર માટે ગૌરવની બાબત છે. જિલ્લાના ખેડૂતો, આદિવાસી ખેડૂતો, ગ્રામીણ યુવાનો અને મહિલા ખેડૂતોને કેન્દ્રમાં રાખીને વિવિધ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ, પાક સંરક્ષણ, બાગાયત, પશુપાલન, પ્રાકૃતિક ખેતી, કૃષિ આધારિત ઉદ્યોગસાહસિકતા તથા મૂલ્યવર્ધન અંગે તાલીમો, નિદર્શનો, ખેડૂત વૈજ્ઞાનિક ચર્ચા અને વિસ્તરણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ખેડૂતોને નવીન કૃષિ તકનીકો અંગે માર્ગદર્શન પૂરું પાડવા, વૈજ્ઞાનિક જ્ઞાનનો ખેતર સુધી પ્રચાર પ્રસાર કરવા અને ખેતીની ઉત્પાદકતા તથા આવકમાં વધારો કરવા માટે વિવિધ જનજાગૃતિ અને પ્રસાર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવતી આ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ તાપી જિલ્લાના ખેડૂતોને સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રેરિત કરવાનો, કૃષિ અને સંલગ્ન વ્યવસાયોમાં રોજગારીની તકો ઊભી કરવાનો તથા ખેડૂતોની આર્થિક અને સામાજિક પ્રગતિમાં યોગદાન આપવાનો રહ્યો છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન કરવામાં આવેલી આ ખેડૂત સમુદાયના સર્વાંગી વિકાસની કામગીરીની નોંધ લઈને ઝોનલ કક્ષાએ મળેલું આ સન્માન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી માટે ગૌરવની બાબત છે.
આ એવોર્ડ તા. ૨૯ સપ્ટેમ્બરથી ૧ ઑક્ટોબર, ૨૦૨૬ દરમિયાન પુણે, મહારાષ્ટ્ર ખાતે આયોજિત ICAR–ATARI, ઝોન-VIII ની 9મી વાર્ષિક ઝોનલ કાર્યશાળા દરમિયાન એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ICAR–ATARI, પુણેના નિયામકશ્રી ડૉ. એસ. કે. રોય તથા મહાત્મા ફુલે કૃષિ વિદ્યાપીઠ, રાહુરીના માનનીય કુલપતિશ્રી ડૉ. વી. કે. ખરચેના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ સન્માન ભવિષ્યમાં પણ ખેડૂતોના હિતમાં વધુ અસરકારક કૃષિ વિસ્તરણ પ્રવૃત્તિઓ, ગુણવત્તાયુક્ત તાલીમ કાર્યક્રમો અને નવીન કૃષિ તકનીકોના પ્રસાર માટે પ્રેરણારૂપ બનશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
