કે.વિ.કે. વ્યારા દ્વારા સપ્ટેમ્બર માસમાં રાષ્ટ્રિય પોષણ માસની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૧. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ(ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે કાર્યરત છે. સદર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સપ્ટેમ્બર માસમાં નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માનનીય કુલપતિશ્રી ડૉ.આર.એમ.નાયકની પ્રેરણા અને માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્મા અને ડૉ. સી.ડી પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી. જેમાં તાપી જિલ્લાના વિવિધ ગામના કુલ ૨૧૨૧ આદિવાસી મહિલાઓ અને ખેડૂતભાઇઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.
રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૬ની ઉજવણી અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કુલ ૨૪ જેટલી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેવી કે મહિલા શિબિર, ખેડૂત શિબિર, કિસાન ગોષ્ઠિ, મહિલા મીટીંગ, શ્રીઅન્ન(પોષક અનાજ/મિલેટ) વાનગી સ્પર્ધા, ટી.એચ.આર. પૌષ્ટિક વાનગી સ્પર્ધા, સરગવાના છોડનું વિતરણ, આહાર અને પોષણ સંબંધિત તાલીમ કાર્યક્રમો, ફિલ્ડ વર્કર અને આગેવાન મહિલાઓ માટે ઇન-સર્વિસ તાલીમ, શ્રીઅન્ન(હલકાં ધાન્ય)ની વિવિધ બનાવટોનું પધ્ધતિ નિદર્શન, ફોલ્ડરનું વિતરણ તેમજ ફિલ્મશૉ વિગેરે. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.સી.ડી.પંડયાએ રાષ્ટ્રીય પોષણ માસનું મહત્વ સમજાવી સર્વેને સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો.આરતી એન. સોની દ્વારા આદિવાસી મહિલાઓ અને ખેડૂતભાઇઓને વિવિધ વિષયો જેવા કે ‘હલકાં ધાન્ય/શ્રીઅન્નના પોષણ અને આરોગ્યની દ્રષ્ટિએ ફાયદા, સિકલસેલ એનીમિયા અને સારવાર, પ્રાકૃતિક ખેતીનું માનવ સ્વાસ્થ્યમાં મહત્વ, પોષક અનાજમાંથી બનતી વિવિધ બનાવટો, સગર્ભા સ્ત્રી અને માતા માટે પોષક આહાર, મહિલાઓ અને બાળકોમાં પાંડુરોગ અને કુપોષણ નિવારણ, ઓછ ખર્ચે પૌષ્ટિક આહારની બનાવટ અને સ્વાસ્થ્યવર્ધક સરગવો’ વિગેરે વિષે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
શ્રીઅન્ન/ટી.એચ.આર.પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં વિવિધ ગામની આદિવાસી મહિલાઓ, આંગણવાડી કાર્યકરોએ ભાગ લઇ વિવિધ શ્રીઅન્ન/મિલેટ/ટી.એચ.આર.નો ઉપયોગ કરી પૌષ્ટિક વાનગીઓ બનાવી પ્રદર્શિત કરી હતી. જેમાં આદિવાસી મહિલાઓ દ્વારા જુવાર, નાગલી, બાજરી, કોદરી, ભગર, માતૃશક્તિ, બાલશક્તિ, પૂર્ણાશક્તિ અને સાથે વિવિધ પ્રકારની ભાજી, સીંગદાણા, તલ, મશરૂમ, વાંસ, લીલી શાકભાજી, કઠોળનો ઉપયોગ કરી ટ્રેડિશનલ ડીશ, સુખડી, ટીકી, કાંજી, પાતરા, મુઠિયા, કેક, બિસ્કિટ, મિલેટ ભેલ, ભજીયા, વિવિધ મિલેટના રોટલા, લાડુ, હાંડવો, ઢોકળા, કઠોળ-ભાજીનું શાક, મશરૂમનું શાક, વાંસનું શાક, દેશી ચટણી વગેરે પૌષ્ટિક વાનગી બનાવવામાં આવી હતી. વાનગી સ્પર્ધામાં વિજેતા મહિલાઓને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ઇનામ અને પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ભાગ લીધેલ સર્વે આદિવાસી મહિલાઓને સરગવાના છોડ આપવામાં આવ્યા હતા. હતા. ઉપરાંત કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓ ડૉ.પરમેશ્વરી કે. ચૌધરી,વૈજ્ઞાનિક(બાગાયત);ડૉ.જે.બી.બુટાણી,વૈજ્ઞાનિક(પશુવિજ્ઞાન);ડૉ.એચ.આર.જાદવ,વૈજ્ઞાનિક(પાક સંરક્ષણ) તેમજ કુ.પ્રતિભા કોંકણી, ફાર્મ મેનેજરએ રાષ્ટ્રીય પોષણ માસ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સદર કેન્દ્રના ગૃહવૈજ્ઞાનિક પ્રો.આરતીબેન સોનીએ કર્યું હતું.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
