શિક્ષણ, આરોગ્ય અને પોષણ ક્ષેત્રે તાપી જિલ્લામાં સરાહનીય કામગીરી થઈ રહી છે : મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત

સરકારી યોજનાઓ અને સેવાઓનો વધુમાં વધુ લાભ લઈ અન્ય લોકોને પણ જાગૃત કરવા મંત્રીશ્રી જયરામભાઈ ગામીતનો અનુરોધ
—
સોનગઢના રંગઉપવન ખાતે યોજાયેલા ૧૨મા તબક્કાના સેવા સેતુમાં રમતગમત રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 01 : રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા પ્રવાસન રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સોનગઢ નગરપાલિકાના રંગઉપવન ખાતે સરકારી યોજનાઓના લાભ અને સહાયનો વ્યક્તિગત રીતે તાત્કાલિક નિકાલ કરવા માટે યોજાયેલા ૧૨મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિતિ નોંધાવતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ આદિવાસી સમુદાયની ચિંતા કરી છે. શિક્ષણ, આરોગ્ય અને પોષણ ક્ષેત્રે તાપી જિલ્લામાં ખૂબ જ સરાહનીય કામગીરી થઈ રહી છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી સોનગઢ શહેરના નાગરિકોથી લઈને ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી સરકારી યોજનાઓના લાભ અને સેવાઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ થાય તે માટે તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમો થકી નાગરિકોને વિવિધ યોજનાકીય લાભો અને સરકારી સેવાઓનો લાભ સ્થળ પર જ આપવામાં આવી રહ્યો છે. તેમણે નાગરિકો તથા ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
નોંધનીય છે કે, મંત્રીશ્રીએ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ઉભા કરવામાં આવેલા આંગણવાડી, આરોગ્ય, ડીજીવીસીએલ, મહેસૂલ શાખા સહિતના વિવિધ સ્ટોલ્સ અને કેમ્પની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્ટોલ પર ઉપસ્થિત પ્રતિનિધિઓને નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો વધુમાં વધુ લાભ મળી રહે તે માટે સંવેદનશીલતા અને સક્રિયતાથી કામગીરી કરવા પ્રેરિત કર્યા હતા.
મંત્રીશ્રીના હસ્તે વિવિધ વિભાગની યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, સોનગઢ નગરપાલિકા પ્રમુખશ્રી સારિકાબેન પાટીલ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી સહદેવસિંહ વનાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, હોદ્દેદારો, લાભાર્થીઓ, નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
