સાસુ-વહુ વચ્ચેના પારિવારિક મતભેદમાં અભયમ ૧૮૧ તાપી ટીમની અસરકારક કામગીરીથી સુખદ સમાધાન

0
અભયમ મહિલા હેલ્પલાઈન નંબર

181

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૦. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામમાં રહેતી પરણિત મહિલાએ સાસુ સાથે ઘરગથ્થુ બાબતોને લઈને સર્જાયેલા મતભેદ અંગે મદદ માટે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. મહિલાના પતિ નોકરી અર્થે બહારગામ રહેતા હોવાથી મહિલા પોતાની દીકરી સાથે અલગ રહે છે અને હાલમાં ગર્ભવતી હોવાનું પણ ટીમને જણાવ્યું હતું. અગાઉના પારિવારિક મતભેદોને ધ્યાનમાં રાખીને મહિલાના પતિ દ્વારા તેમના રહેવા માટે અલગ મકાનની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

ઘટનાના દિવસે મહિલા પોતાના ઘર આગળની સફાઈ કરાવી રહી હતી તે દરમિયાન તેમની સાસુ ત્યાં આવી પહોંચ્યા હતા. ઘરકામ અને સફાઈની બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અગાઉના પારિવારિક મતભેદોના કારણે પણ અણબનાવ સર્જાતા મહિલાએ અભયમ ૧૮૧ની મદદ માંગી હતી.

મહિલાની રજૂઆત મળતા જ અભયમ ૧૮૧ તાપી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા બંને પક્ષોની વાત શાંતિપૂર્વક અને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી હતી તથા સમગ્ર પરિસ્થિતિનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

અભયમ ૧૮૧ ટીમ દ્વારા બંને પક્ષનું વ્યક્તિગત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. સાસુ અને વહુ બંનેને પારિવારિક સંબંધોમાં પરસ્પર સન્માન, સમજણ અને સંવાદ જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઘરગથ્થુ બાબતોને લઈને થતા મતભેદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા અને એકબીજાની લાગણીઓને સમજવા અંગે પણ જરૂરી સમજણ આપવામાં આવી હતી.

અભયમ ૧૮૧ ટીમ દ્વારા મહિલાને તેમના કાયદાકીય અધિકારો અને ઉપલબ્ધ કાયદાકીય સહાય અંગે સરળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી. તેમજ બંને પક્ષોને લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ અંગે સમજણ આપી, કોઈપણ પ્રકારની હેરાનગતિ અથવા અયોગ્ય વર્તનથી દૂર રહી પારિવારિક શાંતિ જાળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અભયમ ૧૮૧ ટીમની સમજાવટ, વ્યક્તિગત કાઉન્સેલિંગ અને અસરકારક માર્ગદર્શન બાદ બંને પક્ષોએ પરસ્પર સમજણથી આગળ વધવા તથા ભવિષ્યમાં આવા મતભેદો ન સર્જાય તે માટે સંમતિ દર્શાવી હતી. બંને પક્ષોને જરૂરી સમજણ આપી પરસ્પર સંમતિથી વિવાદનું શાંતિપૂર્ણ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

આમ, અભયમ ૧૮૧ તાપી ટીમની ત્વરિત અને સંવેદનશીલ કામગીરીના પરિણામે પારિવારિક મતભેદ વધુ વણસે તે પહેલાં જ સ્થળ પર પહોંચી બંને પક્ષનું કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન અને જરૂરી સમજણ આપી પરિસ્થિતિનું શાંતિપૂર્ણ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *