GIFT તિલાપિયા ઉછેર અને મૂલ્યવર્ધનથી આદિવાસી મત્સ્ય ખેડૂતો માટે નવી તકો

0
GIFT તિલાપિયા ઉછેર અને મૂલ્યવર્ધનથી આદિવાસી મત્સ્ય ખેડૂતો માટે નવી તકો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૦.  સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા ઉચ્છલ તાલુકાના ચપટી ગામ ખાતે આદિવાસી હિતધારકો માટે “GIFT તિલાપિયા ઉછેર, મૂલ્યવર્ધન અને બજારની સંભાવનાઓ” વિષય પર એક દિવસીય જાગૃતિ કાર્યક્રમ તથા પ્રાયોગિક તાલીમ યોજાઈ હતી.

 

કાર્યક્રમનો મુખ્ય હેતુ મત્સ્ય ક્ષેત્રમાં પ્રજાતિ વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા તેમજ આદિવાસી મત્સ્ય ખેડૂતોને વૈજ્ઞાનિક અને બજારલક્ષી મત્સ્યપાલન સાથે જોડવાનો હતો. કાર્યક્રમમાં કેન્દ્રના વિષય નિષ્ણાત ડૉ. ભરત કંડોરિયા, સંશોધન સહાયક અને શ્રી સાગર ઢીમર દ્વારા સહભાગીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

તાલીમ દરમિયાન GIFT તિલાપિયાના તળાવ આધારિત ઉછેર, યોગ્ય વ્યવસ્થાપન, ગુણવત્તાયુક્ત ખોરાક અને ઉત્પાદન ખર્ચ અંગે માહિતી આપવામાં આવી હતી. વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેર કરવામાં આવે તો આશરે પાંચ મહિનામાં તિલાપિયા માછલીનું સરેરાશ વજન ૪૫૦ થી ૫૦૦ ગ્રામ સુધી મેળવી શકાય છે તેમ સમજાવવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમમાં મત્સ્ય ખેડૂતો, વૈજ્ઞાનિકો, સ્વસહાય જૂથોના સભ્યો, ઉદ્યોગસાહસિકો અને એક્વાકલ્ચર ક્ષેત્ર સાથે સંકળાયેલા કુલ ૨૦ સહભાગીઓએ ભાગ લીધો હતો. સહભાગીઓ સાથે ઉત્પાદન, મૂલ્યવર્ધન અને બજારની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

 

પ્રાયોગિક સત્રમાં કાંટા રહિત (De-boned) GIFT તિલાપિયા તથા Ready-to-Eat મૂલ્યવર્ધિત મત્સ્ય ઉત્પાદનોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. માછલીના ઉત્પાદન ઉપરાંત મૂલ્યવર્ધિત ઉત્પાદનો તૈયાર કરી બજાર સુધી પહોંચાડવાથી આવકના નવા સ્ત્રોતો તથા સ્થાનિક ઉદ્યોગસાહસિકતાની તકો ઊભી થઈ શકે છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

 

આ કાર્યક્રમ દ્વારા ખેડૂત–વૈજ્ઞાનિક–ઉદ્યોગસાહસિક વચ્ચેનું જોડાણ મજબૂત બનાવવા સાથે આદિવાસી વિસ્તારોમાં રોજગાર, મૂલ્યવર્ધન અને ટકાઉ એક્વાકલ્ચરને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *