વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘સમાજ વિજ્ઞાનમાં સંશોધન પ્રસ્તાવની તૈયારી’ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય વર્કશોપ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. એન. ચાવડાની પ્રેરણાથી તથા રજિસ્ટ્રાર ડૉ. રમેશદાન ગઢવી અને સમાજશાસ્ત્ર વિભાગના વડા ડૉ. એમ. એન. ગાયકવાડના માર્ગદર્શન હેઠળ, સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પીએમ ઉષા મેરુ સોફ્ટ કોમ્પોનેન્ટના સહયોગથી ‘સમાજ વિજ્ઞાનમાં સંશોધન પ્રસ્તાવની તૈયારી’ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ યુવા સંશોધકો અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક સંશોધન પદ્ધતિઓ અને પ્રસ્તાવ લેખનની બારીકાઈઓથી માહિતગાર કરવાનો હતો. કુલપતિ શ્રી કે. એન. ચાવડાએ પોતાના ઉદ્દબોધનમાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે આ પ્રકારની સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ ભાગ લેવા ભાર મૂક્યો હતો. વર્કશોપમાં ત્રણ તકનીકી શૈક્ષણિક સત્રો યોજાયા હતા: પ્રથમ સત્રમાં ડૉ. પર્વેઝ એ. અબ્બાસીએ ‘શાસ્ત્રીય અભ્યાસમાં સંશોધન પદ્ધતિઓ’, દ્વિતીય સત્રમાં પ્રો. (ડૉ.) રમેશ એચ. મકવાણાએ ‘સંશોધન પ્રસ્તાવ કેવી રીતે લખવો?’ અને તૃતીય સત્રમાં પ્રો. (ડૉ.) ગૌરાંગ રામીએ ‘સામાજિક વિજ્ઞાનમાં યુનિવર્સ અને સેમ્પલિંગ તકનીકો’ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર વર્કશોપનું આયોજન વિભાગના વડા તથા વર્કશોપના સંયોજક ડૉ. એમ. એન. ગાયકવાડ અને સહસંયોજક ડૉ. અરુણ પંડ્યાના સહયોગથી સફળ રહ્યું હતું. વર્કશોપના સુચારુ આયોજનમાં અને સંચાલનમાં વિભાગના તમામ અધ્યાપકોએ વિવિધ કમિટીઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. મોસમ ત્રિવેદીએ કર્યું હતું. આ રાષ્ટ્રીય વર્કશોપમાં વિવિધ કોલેજો અને યુનિવર્સિટીના અધ્યાપકો, સંશોધકો તથા વિદ્યાર્થીઓ સહિત ૧૨૦થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે સહભાગીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં, ડૉ. નવીનકુમાર રોહિતે કાર્યક્રમને સફળ બનાવનાર સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આભારવિધિ કરી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
