સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર-૨૦૨૬નું આયોજન 

0
સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર-૨૦૨૬નું આયોજન 
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬.રાષ્ટ્રીય કક્ષાના ટ્રાઈબલ ટ્રેડ ફેરના આયોજન અંગેની માહિતી આજરોજ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપવામા આવી.

વર્તમાન સમયમાં શિક્ષિત યુવાવર્ગમાં વધતી બેરોજગારી અને તેના કારણે ઊભી થતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આદિવાસી યુવાનોને સરકારી નોકરીના વિકલ્પરૂપે સ્વરોજગાર અને ઉદ્યોગસાહસિકતા તરફ પ્રોત્સાહિત કરવા નવેમ્બર-૨૦૨૪માં શ્રી જ્ઞાનકિરણ ઘોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઈ ખાતે પ્રથમ ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૨૫૦થી વધુ સ્ટોલ અને આશરે ૩ લાખ મુલાકાતીઓ જોડાયા હતા.

 

આ સફળતાથી પ્રેરાઈને ડિસેમ્બર-૨૦૨૫માં વસરાઇ, તા. અંબિકા, જી. સુરત ખાતે બીજા રાષ્ટ્રીય કક્ષાના ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આશરે ૩૫૦ પ્રદર્શન અને વેચાણ સ્થળો, ૧૨૦ આદિવાસી ખાણીપીણીના સ્થળો અને ૭ લાખ જેટલા મુલાકાતીઓ મુલાકાત લીધી હતી. આ મેળામાં સીધું વેચાણ અને વિપુલ પ્રમાણમાં વેપારી ઓર્ડર તથા વ્યવસાયિક સંપર્કો સર્જાયા હતા. દેશના લગભગ ૧૬ જેટલા રાજ્યોમાંથી ભાગીદારી, ૧,૫૦૦થી વધુ પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ખેડૂતોની ભાગીદારીથી મેળાને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો.

 

આ બંને મેળાઓ દરમિયાન સરકારી વિભાગો, બેન્કો તથા સફળ ઉદ્યોગસાહસિકો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનના પરિણામે આદિવાસી સમાજના આશરે એકાદ હજાર જેટલા નવા વેપાર-ઉદ્યોગસાહસિકો વ્યવસાય તરફ આગળ વધ્યા છે.

 

આ સફળતાને આગળ વધારતાં હવે ૨૪ થી ૨૭ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન ગાંધી વિદ્યાપીઠ, વેડછી, તા. વાલોડ, જી. તાપી ખાતે ત્રીજા નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ વર્ષે લગભગ ૩૫૦ જેટલા પ્રદર્શન કમ વેચાણ સ્ટોલ્સ રહેશે. જેમાં અન્ય રાજ્યોમાંથી ભાગીદારી રહેશે અને અંદાજે ૬ થી ૭ લાખ જેટલા મુલાકાતીઓ મુલાકાત લેવાનો અંદાજ છે. અને આ નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર-૨૦૨૬નું સાચું લક્ષ્ય માત્ર આંકડા હાંસલ કરવાનો નથી, મુખ્ય ઉદ્દેશ છે—આદિવાસી સમાજના સ્થાનિક ઉત્પાદનને યોગ્ય બજાર મળે, કારીગરોને તેમના ઉત્પાદનોને વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ મળે, ખેડૂતોને નવી બજાર વ્યવસ્થા મળે, મહિલાઓને પોતાના ઉત્પાદનોની ઓળખ મળે અને યુવાનોને નોકરી શોધવાની સાથે વ્યવસાય અને રોજગાર સર્જવાની તક મળે

 

આ મેળામાં B2B અને B2C વ્યવસાયિક તકો, વેપારીઓ અને ખરીદદારો વચ્ચે સીધી મુલાકાત, યુવાનો માટે યુવા સંમેલન અને ઉદ્યોગસાહસિક્તા સેમિનાર, ખેડૂતો માટે વિશેષ પરિસંવાદ, સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન તથા વ્યવસાય, માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને નાણાકીય વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

 

આ સાથે આદિવાસી હસ્તકલા, વન પેદાશો, ખેતી, કુદરતી ખેતી, પરંપરાગત ખાદ્ય વાનગીઓ અને સ્થાનિક ઉત્પાદનોને વિશેષ સ્થાન આપવામાં આવશે. આદિવાસી સંગ્રહાલય, અન્ય રાજયો સહિત સ્થાનિક આદિવાસી સંસ્કૃતિની ઝાંખી, જીવંત હસ્તકલા નિર્માણ તથા કલાકારોની રજૂઆતો મુખ્ય આકર્ષણ રહેશે. પરંપરાગત લગ્નગીતો, લોકગીતો અને લોકનૃત્યો દ્વારા આદિવાસી સાંસ્કૃતિક વારસાને નવી પેઢી અને વિશાળ સમાજ સમક્ષ રજૂ કરવામાં આવશે.

 

આ મેળાની એક વિશેષતા પર્યાવરણમૈત્રી અભિગમ પણ છે. પ્લાસ્ટિક બેગ, ડીશ અને ગ્લાસના ઉપયોગને પ્રતિબંધિત કરવામાં આવેલ છે. ખાણીપીણીના તમામ સ્ટોલમાં પરંપરાગત આદિવાસી વાનગીઓને પ્રોત્સાહન આપવા માટે પતરાળાનો ઉપયોગ કરવામાં આવશે. પાણીની બોટલોનું એકત્રીકરણ તથા પુનઃપ્રક્રિયા (Recycling) અને ભીના-સૂકા કચરાનું અલગ સંચાલન કરવામાં આવશે.

 

આમ, આ નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર-૨૦૨૬ માત્ર ચાર દિવસનો વેપાર મેળો નથી પરંતુ આદિવાસી પરંપરાને બજાર સાથે, પ્રતિભાને તક સાથે, યુવાનોને ઉદ્યોગસાહસિકતા સાથે, ખેડૂતોને નવી બજાર વ્યવસ્થા સાથે અને આદિવાસી ઉત્પાદનોને રાષ્ટ્રીય બજાર સાથે જોડવાનો પ્રયાસ છે.

 

મેળો પૂર્ણ થયા બાદ પણ આ જોડાણ ચાલુ રહે તે માટે આદિવાસી વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોનું વ્યવસાયિક નેટવર્ક વિકસાવવાનું આયોજન પણ વિચારણા હેઠળ છે અને તેને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી વ્યાપારને વિકસાવવા માટે પણ વિચારણા કરવામાં આવશે જેથી આ રાષ્ટ્રીય કક્ષાનો આદિવાસી વ્યાપાર મેળો માત્ર મેળા પૂરતું નહીં રહે પરંતુ લાંબા ગાળાના વ્યાવસાયિક જોડાણની શરૂઆત બને.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other